Western Times News

Gujarati News

છેલ્લાં ત્રણ વર્ષમાં બિન અધિકૃત ગેરહાજર રહેલા ૧૩૪ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વિદેશમાં રહી એકપણ શિક્ષક પગાર નથી મેળવતાં: શિક્ષણ મંત્રી 

વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય શ્રી દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો  વિદેશમાં રહીને પગાર મેળવે છે તે અંગે પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ ૧૨ શિક્ષકો તથા પાટણમાં ૭ શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતાં નથી.

બનાસકાંઠા જિલ્લાના ૧૨ ગેરહાજર શિક્ષકો પૈકી છ શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકો દ્વારા રાજીનામાં મંજૂરી અર્થે રજૂ થતા રાજીનામું મંજૂર કરવામાં આવ્યાં છે બાકીના ચાર શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાટણના બન્ને શિક્ષકો NOC મેળવીને વિદેશ ગયાં હોવાથી કોઈ કાર્યવાહી કરી નથી.

આ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ દરમિયાન  વિધા સમીક્ષા કેંદ્ર દ્વારા મળતી ઓનલાઇન હાજરીની વિગતો પરથી બિન અધિકૃત ગેરહાજર શિક્ષકો માહિતીનું એનાલીસીસ કરી તેમના વિરુદ્ધ નિયમાનુસારનીકાર્યવાહી કરાઇ છે. જેમાંથી બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા ૧૩૪ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે.

મંત્રી શ્રી ડીંડોરે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના જિલ્લા તથા નગર શિક્ષણ સમિતિમાં વર્ષ ૨૦૨૩-૨૪ થી વર્ષ ૨૦૨૪-૨૫ માં ત્રણ માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર  હોય તેવા ૭૦ શિક્ષકો અને વિદેશ પ્રવાસના કારણે  ગેરહાજર હોય તેવા ૬૦ શિક્ષકો એમ કુલ ૧૩૦ શિક્ષકોની સામે કાર્યવાહી કરતાં ચાર જિલ્લા અને એક નગર શિક્ષણ સમિતિમાંથી કુલ ૧૦ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યાં છે અને બાકી રહેલા શિક્ષકો સામે નિયમાનુસાર બરતરફ કરાશે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસેથી એક અઠવાડિયાથી સતત ગેરહાજર રહેતા શિક્ષકોની વિગતો ઓનલાઇન હાજરીના ડેટાના આધારે મેળવી તેઓની સામે સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જેનો અહેવાલ મેળવી દોષિત જણાશે તો તેઓની સામે પણ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.