રાતડીઆ પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર શિક્ષકદિનની ઉજવણી
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢબારીઆ તાલુકાની રાતડીઆ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૦ જેટલાં બાળકોએ શિક્ષક તરીકે ભાગ લીધો હતો. જેમાં ધોરણ ૮માં ભણતી વિદ્યાર્થીની સવાયા જાનુબેન મોહનભાઈએ શાળામાં પ્રિન્સિપાલ તરીકે ભૂમિકા ભજવી હતી.
દરેક બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. શિક્ષક બનેલા સૌ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંજે સૌ બાળ શિક્ષકોએ શિક્ષક તરીકેના પોતાના અનુભવો જણાવ્યા હતા. શિક્ષક બનેલા સૌ વિદ્યાર્થીઓને ઇનામ રૂપે શાળાના શિક્ષક બારિયા મોહનભાઈ તરફથી ચોપડા અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્યશ્રી દરજી મિનેશકુમાર જયંતીલાલે શિક્ષકદિનની ઉજવણીનું સુંદર આયોજન કરવા બદલસૌ સ્ટાફમિત્રો તથા શાળાના બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો.