મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમમાં સુરત જિલ્લાનાં શિક્ષકો સહભાગી થયા
સુરત, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ પ્રણાલીગત ફેરફારો પ્રગતિની સતત અને અસરકારક દેખરેખ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ (GSQAC) દ્વારા ગુણોત્સવ ૨.૦ અંતર્ગત એક્રેડિટેશન માળખું બનાવવામાં આવ્યું જે શિક્ષણ અને અધ્યયનનાં ઉપયોગ, એડમિનિસ્ટ્રેટીવ, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસાધનોનો ઉપયોગ વગેરે જેવાં ક્ષેત્રોમાં શાળાઓની મૂલ્યાંકન કરી ગ્રેડ આપે છે. રાજ્યનું શિક્ષણ વિભાગ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી એક્સેલન્સ હાંસલ કરવાનાં ઉદ્દેશ્ય સાથે દેશનાં સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશનનો શુભારંભ કરવા જઈ રહ્યું છે.
જે અંતર્ગત સરકારશ્રીનાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો વિધિવત શુભારંભ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. દાદાનગર કન્વેન્શન સેન્ટર, ત્રિમંદિર, અડાલજ જિ. ગાંધીનગર મુકામે યોજાયેલ આ કાર્યક્રમમાં સુરત જિલ્લાની સદર મિશન હેઠળની શાળાઓનાં મુખ્યશિક્ષકો સહિત શાળા દીઠ બે એસ.એમ.સી. સભ્યોએ ભાગ લીધો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપકભાઈ દરજી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની શાળાઓ ૨૯ શાળાઓ, ઉમરપાડાની ૩૨ શાળાઓ, માંડવીની ૫૧ શાળાઓ, ચોર્યાસીની ૨૮ શાળાઓ, માંગરોલની ૪૦ શાળાઓ, પલસાણાની ૨૩ શાળાઓ, બારડોલીની ૩૨ શાળાઓ, મહુવાની ૩૦ શાળાઓ જ્યારે કામરેજ તાલુકાની ૪૧ શાળાઓનાં મુખ્યશિક્ષકો, સી.આર.સી., બી.આર.સી. કો-ઓર્ડિનેટરો તથા એસ.એમ.સી. સભ્યો મળી કુલ ૧૦૦૫ જેટલાં વ્યક્તિઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.