Western Times News

Gujarati News

ગાંધીનગરના નિજાનંદ ફાર્મ ખાતે યોજાશે શૈક્ષણિક સંમેલનઃ 91 હજાર શિક્ષકો ભાગ લેશે

प्रतिकात्मक

ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ શિક્ષકો શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેશે

11 થી 13 મે દરમિયાન ગાંધીનગરમાં 29મું શૈક્ષણિક સંમેલન યોજાશે-વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આયોજિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં હાજરી આપશે

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આવેલ નિજાનંદ ફાર્મ ખાતે તારીખ 11 થી 13 મે, 2023 દરમિયાન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ વખતના સંમેલનની થીમ છે, ‘ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ  એજ્યુકેશન’ (શિક્ષણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાના કેન્દ્રમાં શિક્ષકો). akhil bhartiya prathmik shikshak sangh

આ સંમેલનના બીજા દિવસે એટલે કે 12 મે, 2023ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા, લોકસભા સાંસદ શ્રી સી.આર. પાટિલ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલ શૈક્ષણિક પ્રદર્શનનું નિરીક્ષણ કરશે. આ પ્રદર્શનમાં, શ્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2001થી 2014 સુધીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓએ શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા માટે જે કામગીરી કરી હતી અને રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે જે પગલાંઓ લીધા હતા, તેના સંસ્મરણો સ્વરૂપ તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવશે.

તેમાં શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા જેવી વડાપ્રધાનની તે સમયની શિક્ષણ ક્ષેત્રની કેટલીક મહત્વપૂર્ણ પહેલો સમાવિષ્ટ છે. આ સાથે જ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ જેવીકે બનાસકાંઠામાં આવેલ ભયાવહ પૂર, પુલવામાં હુમલો,

કોરોનાકાળમાં શિક્ષકો દ્વારા યોજવામાં આવેલ રક્તદાન શિબિરો વગેરેના તસવીરોરૂપ સંસ્મરણો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શિક્ષક દિવસે શિક્ષકોને સંબોધન કર્યું હોય તેવા સંસ્મરણો પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આ ત્રિદિવસીય સંમેલનમાં ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ  પ્રતિનિધિઓ હાજરી આપશે. આ ઉપરાંત, પોલિટિકલ, સોશિયલ, એજ્યુકેશનલ અને કલ્ચરલ ડિગ્નિટરીઝ તેમજ ઇન્ટરનેશનલ યુનિયન લીડર્સ હિસ્સો લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.