ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી
હૈદ્રાબાદ, હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમને બેવડો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની ૫ મેચોની ટેસ્ટ સીરિઝમાં ૦-૧થી પાછળ થઇ ગઈ છે. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારે નુકસાન થયું છે.
હૈદરાબાદમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતને ૨૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને આવી ગઈ છે.
આ હાર પહેલા ભારતીય ટીમ બીજા નંબરે હતી. એટલે કે આ હારના કારણે ભારતીય ટીમને ૩ ક્રમનો ભારે નુકસાન થયો છે. પોઈન્ટ ટેબલ પર પાંચમાં સ્થાને પહોંચનાર ભારતીય ટીમ પાસે હવે ૫ ટેસ્ટમાં ૨ જીત, ૨ હાર અને ૧ ડ્રો મેચ છે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી ૪૩.૩૩ થઈ ગઈ છે, જે પહેલા ૫૦ હતી.
પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશની ટીમ ભારતથી ઉપર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશની ટીમ ૨ ટેસ્ટ મેચમાં ૧ જીત અને એક હાર સાથે ચોથા સ્થાને છે. તેની ઉપર ન્યુઝીલેન્ડ ત્રીજા, સાઉથ આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની જીત ટકાવારી ૫૫ છે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની જીતની ટકાવારી ૫૦-૫૦ છે. SS2SS