સાંકરી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં તેજસ્વી તારલાઓને સન્માનવાનો એક વિશેષ કાર્યક્રમ બારડોલી તાલુકાનાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સાંકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આ તકે સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાનાં ધોરણ ૩ થી ૮ નાં પ્રથમ સત્રમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારા ૩૨૪ જેટલાં તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભવોએ પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક ઈનામ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં.
કાર્યક્રમનાં ઉદઘાટક એવાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં વડાપ્રધાનનાં વિકસિત ભારત બનાવવાનાં સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપવા સંકલ્પ લે. જો વિદ્યાર્થીઓ અભ્યાસમાં સંપૂણપણે ધ્યાન કેન્દ્રિત કરી તેજસ્વી અને સક્ષમ બનશે તો દેશ પણ મજબૂત અને વિકસિત બનશે. તેમણે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે લક્ષ્ય નક્કી કરવા, અનુશાસન અને ટાઈમ મેનેજમેન્ટ, મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ ઉપરાંત ધૈર્યતાપૂર્વક અભ્યાસ કરવા અંગે માર્ગદર્શિત કર્યા હતાં.
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમાજમાં સુશિક્ષિત વ્યક્તિની આગવી ઓળખ ઉભી થાય છે. શિક્ષણ અને સુસંસ્કારો થકી આદર્શ વ્યક્તિત્વનું ઘડતર થાય છે, જેથી વિદ્યાર્થીઓએ સતત અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ.
છેવાડાનાં બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે સરકારે અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકેલ છે. જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ શાળા બનાવવા ૫ લાખની ગ્રાન્ટને વધારી ૫૦ લાખ સુધીની ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલ છે. સ્માર્ટ શાળા થકી વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ પ્રાપ્ત થશે.