એસસી અનામતને ૩ શ્રેણીમાં વહેંચનાર તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું

હૈદરાબાદ, તેલંગાણા સરકારે સોમવારે શીડ્યુલ કાસ્ટ્સ (એસસી) સમાજમાં અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. અનામતમાં પણ સબ કેટેગરીના આધારે અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું છે.
તેલંગાણા સરકારે અગાઉ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ શામીમ અખ્તરના નેતૃત્વ હેઠળ કમિશનની રચના કરી હતી, જેણે એસસી સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં અનામત માટે કેટેગરી પાડવાની ભલામણ કરી હતી.
કમિશને પોતાના રિપોર્ટમાં ૫૯ શીડ્યુલ કાસ્ટ સમાજોને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં વહેંચવા ભલામણ કરી હતી અને આ તમામ વચ્ચે અનામતનો લાભ વહેંચવા સૂચવ્યું હતું. તેલંગાણાના રાજ્યપાલે ૮ એપ્રિલે તેલંગાણા સરકારના આ ખરડાને મંજૂરી આપી છે અને તેને ૧૪ એપ્રિલે તેલંગાણા સરકારના ગેઝેટમાં પ્રકાશિત કરાયો છે.
બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે સરકારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, એસસી સમાજમાં પેટા જ્ઞાતિઓના વર્ગીકરણની માગણી લાંબા સમયથી પડતર હતી અને તેના પર નિર્ણય લેવાનું જરૂરી હતું. એસસી સબકેટેગરીનો ક્રાંતિકારી નિર્ણય લેનારું દેશનું પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું છે.
દલિત સમાજના તમામ વર્ગનું સશક્તિકરણ થાય અને ઉજળી તક મળે તે હેતુથી સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કમિશનના રિપોર્ટ મુજબ, ગ્રૂપ-૧માં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે લાભથી વંચિત એસસી સમાજની ૧૫ જાતિનો સમાવેશ કરાયો છે અને તેમને એક ટકો અનામત આપવામાં આવશે.
ગ્રૂપ ૨માં અનામતનો ઓછો લાભ મળ્યો હોય તેવા ૧૮ સમુદાયને સમાવાયા છે અને તેમના માટે નવ ટકા ક્વોટા નિર્ધારિત થયો છે. ગ્રૂપ ૩માં નોંધપાત્ર લાભ લેનારી ૨૬ જ્ઞાતિ છે અને તેમના માટે પાંચ ટકા અનામત રખાયું છે.
તેલંગાણામાં સોમવારથી જ નવા કાયદા મુજબ અનામનતો અલ શરૂ થયો છે. રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એસસી કેટેગરાઈઝેશનનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય તેલંગાણા છે.SS1MS