જેઈઈમાં ૮૨૪મો રેન્ક મેળવનાર તેલંગાણાની મધુલતા બકરીઓ ચરાવશે

તેલંગાણા, તેલંગાણાની મધુલતાએ જેઈઈમાં ૮૨૪મો રેન્ક મેળવ્યો છે. આ વાત સાંભળનારા લોકોને લાગશે કે હવે માત્ર આઈઆઈટી એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ ટેન્કોલોજીમાં પ્રવેશ મળશે અને જીવન સેટ થઈ જશે. જો કે જમીની વાસ્તવિકતા તદ્દન ભિન્ન છે.
પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા છતાં આ છોકરી આઈઆઈટી નથી જઈ રહી પરંતુ ખેતરોમાં બકરા ચરાવવા જઈ રહી છે. તેનું મુખ્ય કારણ, તેના પરિવારની નબળી આર્થિક સ્થિતિ છે. રિપોર્ટ અનુસાર, તેલંગાણાના રાજન્ના સરસિલ્લા ગામની રહેવાસી બદાવત મધુલતા આદિવાસી વિદ્યાર્થીની છે.
તેણે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં જેઈઈ પરીક્ષા આપી હતી અને ૮૨૪મો રેન્ક હાંસલ કર્યો હતો. આ પછી તેને આઈઆઈટી-પટણામાં પણ સીટ મળી ગઈ હતી, પરંતુ આર્થિક તંગીને કારણે હવે તેની શિક્ષણજગતમાં સફર અહીં જ અટકતી જોવા મળી રહી છે.
તેના ઇન્ટર કોલેજના શિક્ષક બુક્યા લિંગમ નાયક કહે છે, છોકરી આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવે છે, તેથી તે ફી ચૂકવવાની સ્થિતિમાં નથી. આઈઆઈટીની ફીની વાત તો છોડો, તેનો પરિવાર તેને રાજ્યની કોઈપણ સામાન્ય ડિગ્રી કોલેજમાં પણ મોકલી શકવા સમર્થ નથી.
જો તેને મદદ નહીં મળે તો મધુલતાએ આ યાત્રા અધૂરી જ છોડવી પડશે. વાસ્તવમાં આદિજાતિ કલ્યાણ જુનિયર કોલેજની વિદ્યાર્થીની મધુલતાએ હોસ્ટેલ ફી અને અન્ય ખર્ચ માટે ૨૭ જુલાઈ સુધીમાં ૩ લાખ રૂપિયા જમા કરાવવાના થાય છે.
આ કર્યા પછી જ તે આઈઆઈટીમાં પોતાની સીટ સુનિશ્ચિત કરી શકશે. ખાસ વાત એ છે કે એસટીના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, રહેઠાણ અને અન્ય ઘણા ખર્ચમાંથી મુક્તિ મળે છે, પરંતુ તે બાદ કર્યા પછી કરવાનો થતે નજીવો ખર્ચ પણ મધુલતાના પરિવાર માટે ઘણો જ વધારે છે. નાયકે જણાવ્યું કે મધુલતાના પિતા બીમાર છે અને તેથી તેમની દીકરીએ પરિવારની મદદ માટે બકરીઓ ચરાવવાનો નિર્ણય કર્યો છે.
મધુલતાની બહેન સિરિષાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે મંગળવારે તેમનો સંપર્ક કર્યો હતો અને પરિવારને મદદ માટેની આશા બંધાવી હતી. હવે રાજ્ય સરકાર તરફથી મદદની ખાતરી મળતાં મધુલતા માટે આશાનું કિરણ જાગ્યું છે.SS1MS