Western Times News

Gujarati News

તેલાવ પ્રાથમિક શાળા રાજ્યમાં સૌ પ્રથમ વખત સ્ટેમ લેબોરેટરીનું નિર્માણ કરનારી એકમાત્ર શાળા

“શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ

છેલ્લા 4 વર્ષમાં 100થી પણ વધુ બાળકોએ ખાનગી શાળા છોડી તેલાવની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો

ખાનગી શાળાનો કોન્સેપ્ટ સરકારી શાળામાં અમલ કરવાના આશય સાથે સતત પ્રયત્નશીલ વિજયભાઈ પટેલ

શિક્ષક કભી સાધારણ નહિ “શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ”- આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલે.

બાળપણથી જ શિક્ષક બનવાની નેમ ધરાવતા વિજયભાઈ પટેલે તેમની શરૂઆતની કારકિર્દીમાં 8 વર્ષ સુધી ખાનગી શાળામાં બાળકોને શિક્ષણ આપ્યું. ખાનગી શાળાનો કોન્સેપ્ટ સરકારી શાળામાં અમલ કરવો અને વિદ્યાર્થીઓ માટે કાંઈક નવું ઇનોવેટીવ કરવાના આશય સાથે  વર્ષ 2012માં HTAT ની પરીક્ષા પાસ કરીને વિજયભાઈ સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિયુક્ત થયા.

ટેકનોલોજીના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ સમય સાથે તાલ મિલાવીને શિક્ષણ મેળવે, વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધે અને ડિજિટલ શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે તેમનો પાયો મજબૂત થાય તે માટે વિજયભાઈએ શરૂઆતથી જ પ્રયત્નો શરૂ કર્યા હતા.

ખાનગી શાળાનો કોન્સેપ્ટ સરકારી શાળામાં સફળ બનાવવાની નેમ સાથે આવેલા વિજયભાઈએ ગામના દાતાશ્રીઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં સૌ પ્રથમ પોતાની સરકારી પ્રાથમિક શાળામાં સ્ટેમ લેબોરેટરીનું નિર્માણ કર્યું. વિદ્યાર્થીઓમાં પ્રાથમિક શાળામાંથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ અને રસ કેળવાય તેવા ઉમદા આશયથી આ અનોખી લેબોરેટરીનું નિમાર્ણ કરવામાં આવ્યું. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને અવનવા પ્રયોગ કરી નવા સંશોધનો કરવા માટેનું સંપૂર્ણ  વાતાવરણ પૂરું પાડી રહી છે.

શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલના પ્રયાસોથી આજે તેલાવ પ્રાથમિક શાળામાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. વિજયભાઈના સક્રિય પ્રયાસોના ફળસ્વરૂપે છેલ્લા 4 વર્ષમાં આશરે 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને તેલાવ પ્રાથમિક શાળામાં જોડાયા છે.

વિજયભાઈએ દિશાસૂચક પ્રયાસો દ્વારા ગ્રામજનો અને સંસ્થાઓના સાથ સહકાર અને અનુદાન થકી પોતાની શાળાને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવી. જેના ભાગરૂપે શાળામાં વિવિધ શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની.

તાજેતરમાં જ NIEPA (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નવી દિલ્હી દ્વારા ‘નિપુણ ભારત’ મિશન અંતર્ગત ‘નેશનલ વર્કશોપ ઓન સ્કૂલ લીડરશીપ ફોર નિપુણ ભારત’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી.

આ વર્કશોપમાં વિજયભાઈએ ગુજરાત રાજ્યમાં નિપુણ ભારત અભિયાન અંતર્ગત થયેલ કામગીરીનું તથા તેમની શાળાની કામગીરી, નવતર ઉપક્રમો અને શિક્ષણ ક્ષેત્રે થયેલ પ્રગતિનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આમ, વિજયભાઈએ દેશભરમાં ગુજરાતને બહુમાન અપાવનારી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

વિજયભાઈ હંમેશા બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય એ માટે પ્રયત્નશીલ રહ્યાં છે. જેના લીધે તેલાવ પ્રાથમિક શાળામાં બાળકો માટે અલગ અલગ કેટેગરીના પુસ્તકો ધરાવતી સોફ્ટવેર બેઝડ સમૃદ્ધ ડિજિટલી સંચાલિત લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં બાળકો ગમે ત્યારે આવીને પુસ્તકો વાંચી શકે છે અથવા ઘરે લઈ જઈ શકે છે.

બાળકો જાતે કોમ્પ્યૂટરમાં પોતાનો જી.આર. નંબર નાખીને પુસ્તકો વાંચવા લઈ જાય છે અને વંચાઈ ગયા પછી તે જાતે પાછા જમા કરાવી શકે છે. બાળકો પોતાની નોંધ જાતે જ રાખે છે. સ્ટેમ લેબ અને લાઇબ્રેરી જેવા આવા અત્યાધુનિક શૈક્ષણિક ઉપક્રમોને પરિણામે શાળાના બાળકોના લેખન, વાંચન અને અધ્યયન સ્તરમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે તથા ગુણોત્સવમાં પણ શાળાએ સારો દેખાવ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેલાવ શાળાને મોડલ સ્કૂલ બનાવવા બદલ વિજયભાઈને રાજ્યમાં ઇનોવેટિવ આચાર્ય સન્માન, શ્રેષ્ઠ શિક્ષક, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, રાજ્યપાલ શ્રી દ્વારા બહુમાન જેવા અલગ અલગ સન્માન મળેલા છે. આવા બહુમાન વિજયભાઈની શિક્ષણ પ્રત્યેની ફરજનિષ્ઠાની સાબિતી આપે છે. આલેખન : વ્રજ મણીયાર, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.