Telecom એકટ: હવે એક આઈડી પર ૯ થી વધુ સીમ નહીં મળી શકે
જરૂર પડશે તો સરકાર કોઈ પણનો વોટ્સએપ મેસેજ જોઈ શકશે
(એજન્સી)નવીદિલ્હી, ટેલીકોમ એકટ ર૦ર૩ના કેટલાક નિયમો અમલમાં આવ્યા છે. હવે સરકાર ઈમરજન્સીની સ્થિતીમાં કોઈ પણ ટેલીકોમ્યુનીકેશન સર્વીસ અથવા નેટવર્કને નિયંત્રણમાં લઈ શકશે. આ એકટમાં સીમકાર્ડ અંગે પણ કડક જોગવાઈઓ છે. કાયદાની કલમ ૧,ર,૧૦થી૩૦,૪રથી ૪૪.૪૭.પ૦ થી પ૮,૬૧ અને ૬ર ની જોગવાઈઓ બુધવારથી અમલમાં આવી છે. ચાલો જાણીએ શું ફેરફાર થયો…
• સરકાર કયા સંજોગોમાં ટેલીકોમ્યુનિકેશન સેવાઓ પર નિયંત્રણ મેળવી શકે છે ?
સરકાર રાષ્ટ્રીય સુરક્ષા વિદેશી રાજયો સાથેના મૈત્રીપુર્ણ સંબંધોના હિતમાં અથવા યુદ્ધના કિસ્સામાં કોઈ પણ અથવા તમામ ટેલીકોમ્યુનીકેશન સેવાઓનું નિયંત્રણ અને સંચાલન પોતાના હાથમાં લઈ શકે છે.
• શું સરકાર કોઈપણ વ્યકિતના મેસેજને ઈન્ટરસ્પેટ કરી શકશે ?
સરકાર જાહેર સલામતી માટે અથવા કટોકટીની સ્થિતીમાં કોઈ પણ વ્યકિતના મેસેજને ઈન્ટરસ્પેટ કરી શકશે. એકટની કલમ ર૦ (ર) હેઠળ મેસેજ રીસીવર સુધી પહોચે તે પહેલા તેને રોકી પણ શકાય છે. આનો અધિકાર સીબીઆઈ, ઈડી અને આઈબી જેવી ૧૦ કેન્દ્રીય એજન્સીઓ પાસે પણ છે.
• શું સરકાર જરૂર પડેયે વોટસએપ મેસેજ પણ જોઈ શકશે ?
વોટસએપ ટેલીગ્રામ અને સિગ્નલ જેવાં તમામ પ્લેટફોર્મ એકટના દાયરામાં આવી ગયાં છે. હવે સરકાર તેમના તરફથી મોકલવામાં આવેલાં મેસેજ જોઈ શકશે.
• સીમની ખરીદી અને વેચાણ અંગે કઈ જોગવાઈઓ બદલાઈ ?
એકટમાં એક ઓળખકાર્ડ પર ૯થી વધુ સીમકાર્ડ રાખવા પર પ૦,૦૦૦ રૂપિયાનો દંડની જોગવાઈ છે. જો બીજી વખત પકડાય તો ર લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદા હેઠળ નકલી સીમકાર્ડ વેચવા ખરીદવા અને તેનો ઉપયોગ કરવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા પ૦ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
• પ્રમોશનલ મેસેજ મોકલવા માટે યુઝર્સની સંમતી જરૂરી છે.
પ્રમોશનલ મેસેજ માટે યુઝર્સની પુર્વ સંમતી જરૂરી છે. યુઝસ હેરાન કરતા ફોન કોલ્સ અંગે ફરીયાદ કરી શકશે. નિયમોનો ભંગ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
• હવે પરવાનગી વગર ડેટા એકસેસ કરવો એ પણ ગુનો
આ કાયદા હેઠળ સીમકાર્ડનું કલોન કરવું અથવા કોઈ અન્યના સીમકાર્ડનો દુરુપયોગ કરવો તે સજાપાત્ર ગુનાની શ્રેણીમાં આવશે.
કયા કાયદા નાબુદ કરવામાં આવ્યા હતા ? ભારતીય ટેલીગ્રાફ એકટ ૧૮૮પ, વાયરલેસ ટેલીગ્રાફીક એકટ (૧૯૩૩) અને ટેલીગ્રાફ વાયર ગેરકકાયદેસર કબજો એકટ ૧૯પ૦ જેવા કાયદાઓ નાબુદ કરવામાં આવ્યા હતા.