Western Times News

Gujarati News

અમદાવાદમાં તાપમાન ૧૩.૭ ડિગ્રીઃ સુસવાટા મારતાં પવનોથી અમદાવાદીઓ ઠૂંઠવાયા

૬ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું  

(એજન્સી)અમદાવાદ, કડકડતી ઠંડી અને સૂસવાટા મારતા ડંખીલા પવનોએ આજે રાજ્યભરના લોકોને ભારે પરેશાન કરી દીધા છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસના માર સાથે બરફીલા પવાનોનો ડબલ એટેક થતાં અમદાવાદીઓ રીતસર ઠૂંઠવાઈ ગયા હતા. સમગ્ર રાજ્યમાં જાણે શીતલહેર ફેલાઈ ગઈ હોય તેવી હાડ કંપાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

કચ્છનું નલિયા હોય કે ઉત્તર ગુજરાતનું ડીસા, અમદ ાવાદ હોય કે રાજ્યનું પાટનગર ગાંધીનગર તમામ સ્થળોએ ઠંડીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગત મોડી રાતથી જ કાતિલ કોલ્ડવેવની અસર વર્તાવાનું શરૂ થઈ ગયું હતું અને આજે સવારે તો મોટા ભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન નીચે ગગડી ગયું હતું. કચ્છનું નલિયા આજે છ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.

હવામાન વિભાગે કચ્છ માટે આગામી ર૪ કલાક સુધી કોલ્ડવેવનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજે અને આવતીકાલે ઠંડીનુ જોર વધવાની પ્રબળ સંભાવના છે. રાજ્યના શીત મથક ગણાતા નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. કચ્છનું કાશ્મીર ગણાતું નલિયા આજે ફરી એક વખત રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બનતા નલિયાવાસીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

ઉત્તર ગુજરાતના ડીસામાં આજે ૧૦.૭ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ગઈકાલે ડીસામાં રપ.ર ડિગ્રી જેટલું નીચું મહત્તમ તાપમાન નોંધષાતા દિવસે પણ કડકડતી ઠંડી અનુભવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ડીસામાં ઠંડીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ચાલુ સિઝનમાં ઠંડીનો પારો ૯.૧ ડિગ્રી સુધી જતાં સમગ્ર ડીસા પંથક ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં ડીસા શહેરમાં રાતભર બજારમાં અને હાઈવે વિસ્તારો લોકોની ચહલપહલ જોવા મળતી હોય છે. પરંતુ હાલ મોડી સાંજથી લઈને વહેલી પરોઢ સુધી તમામ વિસ્તાર સૂમસામ જોવા મળે છે.

અમદાવાદમાં આજે વહેલી સવારથી ઠંડાગાર પવનો પૂરઝડપે ફૂંકાવા લાગ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે ૧રથી ૧૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા જાણે સતત દોડતા રહેતા અમદાવાદની રફતાર પર બ્રેક લાગી ગઈ હોય તેમ મોટાભાગના રસ્તાઓ સૂમસામ નજરે પડયા હતા. ઠંડા પવનનોના માર વચ્ચે અમદાવાદીઓને આજે સવારે બે ધાબળા કે બ્લેન્કેટ ઓઢવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરમાં આજે સવારે ૧૩.૭ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં ર૭.૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હોવા છતાં દિવસભર ફૂંકાયેલા પવનોએ લોકોને ભારે પરેશાન કરી દીધા હતા. આજે સવારે એસજી હાઈવે અને એસપી રીંગરોડ પરથી પસાર થતાં વાહનચાલકોને ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટચી જતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આજે સવારે ૧ર.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આંબલી-બોપલ રોડ પર ૧૪.૩ ડિગ્રી, ચાંદખેડા વિસ્તારમાં ૧૩.પ ડિગ્રી, નવરંગપુરામાં પણ ૧૩.૯ ડિગ્રી, રખિયાલમાં ૧૩.૩ અને સેટેલાઈટ વિસ્તારમાં ૧૩.૯ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગિફટ સિટી ગાંધીનગર વિસ્તારમં આજે સવારે ૧ર.૪ ડિગ્રી, જ્યારે ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએસ) ગાંધીનગર વિસ્તારમાં ૯.પ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

ગાંધીનગર-અમદાવાદ હાઈવે, કુડાસણ અને રાયસણ વિસ્તારમાં આજે વહેલી સવારના પ.૩૦થી ૭ઃ૦૦ વાગ્યા દરમિયાન ઠંડીનો પારો ૧૩થી ૧૪ ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો અને હાઈવે પર પણ વાહનોની બહુ ઓછી અવર જવર જોવા મળી હતી.

સ્થાનિક હવામાન વિભાગના લેટેસ્ટ વેધર રિપોર્ટ અનુસાર ગઈકાલે રાજ્યના કોલ્ડેસ્ટ સિટી બનેલા અમરેલીમાં આજે ઠંડીમાં થોડી રાહત મળી હતી અને ૧૩.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં આજે સવારે ૧પ.૮ ડિગ્રી, ભાવનગરમાં આજે સવારે ૧૬.પ ડિગ્રી, ભૂજમાં ૧૧.૪ ડિગ્રી, દ્વારકામાં ૧૪.૬ ડિગ્રી, કંડલામાં ૧૩.૭ ડિગ્રી, ઓખામાં ૧૮.૯ ડિગ્રી, પોરબંદરમાં ૧૪ ડિગ્રી, રાજકોટમાં ૧૦.૭ ડિગ્રી, સુરતમાં ૧૮.૮ ડિગ્રી અને વેરાવળમાં ૧૭.૧ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોધાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.