૧૫ નવેમ્બરથી ૨૦ નવેમ્બર વચ્ચે તાપમાન અચાનક ઘટશે
ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છેઃ બપોરનું તાપમાન ૩૨ થી ૩૬ ડિગ્રી વચ્ચે રહે છે
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને લોકો ઠંડી ક્યારે પડશે તેની રાહ જાેઈ રહ્યા છે પરંતુ રાજ્યમાં પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા છે. જેના કારણે લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેશે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ છે વાતાવરણ સૂકું રહેશે મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે.
હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે, નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થતી હોય છે. તે શરૂઆત થઈ ગઈ છે. ૧૫ નવેમ્બરથી ૨૦ નવેમ્બર વચ્ચે તાપમાન અચાનક ઘટી જશે. અને સારી એવી ઠંડીની શરૂઆત થઈ જશે. ૩૦ નવેમ્બર સુધી ઠંડી જળવાઇ રહેશે.
અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. બોપરનું તાપમાન ૩૨ થી ૩૬ ડિગ્રી વચ્ચે રહે છે. રાત્રીનું તાપમાન ૧૫થી ૧૮ ડીગ્રી રહે છે. જાેકે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરથી લઈ ૧૦ જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ રાજ્યમાં ચૂંટણીને કારણે માહોલ ગરમ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. ૧ અને ૫ ડિસેમ્બરના રોજ રાજ્યમાં મતદાન થવાનું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, ડિસેમ્બર મહિનાથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે. ૧ અને ૫ ડિસેમ્બરના પણ કડકડતી ઠંડી રહેશે.
અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૭.૬ ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન ૧૭.૨ ડીગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન ૧૯.૨ ડીગ્રી, ભુજનું લઘુતમ તાપમાન ૧૯.૨ ડિગ્રી, દ્વારકાનું લઘુતમ તાપમાન, ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી, પાટણનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.