પેટલાદ નગરનું ટાઉન પોલીસ મથક હાલ જર્જરિત હાલતમાં: હંગામી સ્થળાંતર
કોમર્શિયલ બેંકના મકાનમાં કાર્યરત થશે શહેર પોલીસ મથક
(પ્રતિનિધિ) પેટલાદ, ઐતિહાસિક પેટલાદ નગરનું ટાઉન પોલીસ મથક હાલ જર્જરિત હાલતમાં જાેવા મળે છે. આ જગ્યાએ જ નવા પોલીસ મથકની મંજૂરી રાજ્ય પોલીસ આવાસ નિગમે આપી દિધી છે.
જેથી હંગામી ધોરણે કોમર્શિયલ બેંકના મકાનમાં શહેર પોલીસ મથક કાર્યરત કરવા જીલ્લા કલેક્ટરે હુકમ કર્યો છે. જેને લઈ પેટલાદ ટાઉન પીઆઈએ આજરોજ કોમર્શિયલ બેંકના મકાનનો કબ્જાે મેળવેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદના સરદાર ચોક વિસ્તારમાં કોર્ટ કેમ્પસ આવેલ છે. જ્યાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ કાર્યરત છે. ગાયકવાડી સ્ટેટ વખતથી ચાલતી આવતી આ કચેરીઓની હાલત ખખડધજ જાેવા મળતી હતી. જેને કારણે થોડા વર્ષો અગાઉ તમામ કોર્ટના બિલ્ડીંગનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત બે વર્ષ અગાઉ નગરપાલિકા ભવન પણ નવનિર્મિત થઈ ગયેલ છે. પરંતુ પ્રજાને સુરક્ષા પૂરી પાડનાર પોલીસ? મથકની હાલત જર્જરીત થઈ ગયેલ હતી. આ જર્જરીત મકાનમાં વરસાદી પાણી પડવાને કારણે કર્મચારીઓના માથે જાેખમ હતું. ઉપરાંત ચારે બાજુથી ખખડધજ હાલત થઈ ગઈ હતી.
જેને કારણે આ પોલીસ? મથકના નવિનીકરણ માટે ઘણાં સમયથી કવાયત હાથ ધરવામાં આવી હતી. છેવટે હાલની જગ્યાએ જ નવું પોલીસ સ્ટેશન બનાવવા ગુજરાત પોલીસ આવાસ નિગમે બજેટની ફાળવણી કરી દિધી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત સબ જેલ, પેટા તિજાેરી વગેરે જેવી સરકારી ઓફિસની પડતર જગ્યા પણ શહેર પોલીસ મથક માટે ફાળવી આપી હોવાનું જાણવા મળે છે.
જેથી હવે પેટલાદની પ્રજાને અદ્યતન સુવિધા વાળું પોલીસ મથક મળનાર છે. જે માટેની પ્રક્રિયાનો પ્રારંભ આજથી શરૂ થઈ ગયો છે. જ્યાં સુધી નવું પોલીસ મથક બને નહી ત્યાં સુધી ટાઉન પોલીસ મથક કોમર્શિયલ બેંકના મકાનમાં કાર્યરત કરવા જીલ્લા કલેક્ટરે તાજેતરમાં હુકમ કર્યો છે.
જેથી પેટલાદ ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટે આજરોજ કોમર્શિયલ બેંકના મકાનનો કબજાે લીધો છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે તા.૨૦ જુલાઈ સુધીમાં હાલ કાર્યરત પોલીસ? મથકનુ બેંકના મકાનમાં સ્થળાંતર થઈ જશે. ત્યારબાદ રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવા પોલીસ મથક માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરશે.