Western Times News

Gujarati News

ભડકે બળતું પાકિસ્તાન: ખૈબરમાં ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૨૮૪ આતંકી હુમલાં

૧૪૮ આતંકીનાં મોત, ૯૫ શકમંદોની ધરપકડ, વઝીરીસ્તાનમાં સૌથી વધુ ૫૩ ઘટનાઓ

(એજન્સી)પેશાવર, પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ૨૦૨૫માં અત્યાર સુધીમાં આતંકવાદની ૨૮૪ ઘટનાઓ બની છે. આ સત્તાવાર આંકડા પરથી સાબિત થાય છે કે ભારત સહિત દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન આપતાં પાકિસ્તાનને તેના પાપોની સજા મળી રહી છે.

આતંકવાદ વિરોધી વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે ૨૮૪ ઘટનાઓમાંથી સૌથી વધુ ૫૩ ઘટનાઓ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં નોંધાઈ હતી. આ પછી બન્નુમાં ૩૫, ડેરા ઇસ્માઇલ ખાનમાં ૩૧, પેશાવરમાં ૧૩ અને કુર્રમમાં આઠ આતંકી ઘટનાઓ નોંધાઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં સમગ્ર પ્રાંતમાં ૧૪૮ આતંકવાદીઓના મોત થયા છે.

આમાંથી ૬૭ આતંકીઓના મોત ડેરા ઇસ્માઇલ ખાનમાં થયા હતાં. આ જિલ્લો મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરનું વતન છે.અહેવાલમાં જણાવાયા મુજબ સમગ્ર પ્રાંતમાં આતંકવાદ સંબંધિત કેસોમાં ૧,૧૧૬ શંકાસ્પદોના નામ જાહેર કરાયા છે. તેમાંથી અત્યાર સુધીમાં ૯૫ લોકોની ધરપકડ કરાઈ છે. ૨૦૨૪માં આ પ્રાંતમાં આતંકની ૭૩૨ ઘટનાઓ નોંધાઈ હતી, જે ૨૦૨૩ની ૬૫૧ કરતાં વધુ છે.

ખૈબર પખ્તુનખ્વામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ૨૦૨૧માં બગડવાની શરૂઆત થઈ હતી અને ૨૦૨૩થી હુમલાઓમાં વધુ વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૨૩માં પ્રાંતની રાજધાનીના પોલીસ મુખ્યાલય પર પણ હુમલો થયો હતો. તે સમયે એક આત્મઘાતી બોમ્બરે પોલીસ લાઇનની વચ્ચે આવેલી મસ્જિદમાં વિસ્ફોટ કર્યાે હતો. પોલીદળ પરના આ સૌથી મોટા હુમલામાં ૮૬થી વધુ પોલીસકર્મીઓના મોત થયા હતાં અને ૨૦૦ ઘાયલ થયા હતાં.

બલુચિસ્તાન પ્રાંતના ખુઝદાર જિલ્લામાં બલુચ બળવાખોરોએ આર્મીની ચેકપોસ્ટ પર કરેલા હુમલામાં ચાર સૈનિકોના મોત થયા હતાં. આ હુમલો વ્યૂહાત્મક ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર રૂટ પરની ચેક પોસ્ટ પર થયો હતો. માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ ચેક પોસ્ટ પર હુમલો કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં. આ હુમલાની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી, પરંતુ સુરક્ષા અધિકારીઓને આ હુમલા પાછળ બલુચિસ્તાન લિબરેશન આર્મી હોવાની આશંકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.