ગાંધીનગર સહિત દેશના ૩૦ શહેરોમાં આંતકી હુમલાનું ષડયંત્ર
પાકિસ્તાન પ્રેરિત જૈશ-એ-મહંમદ સહિતના આંતકી સંગઠનોએ ટોચના નેતાઓની હત્યા કરવાનું રચેલુ ષડયંત્રઃ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ |
નવી દિલ્હી : કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવ્યા બાદ આંતકવાદી સંગઠનો ભારતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડ કરવા માટે નાપાક ષડયંત્રો ઘડી રહયા છે અને ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત દેશના ૩૦ જેટલા સ્થળો પર મોટાપાયે આંતકવાદી હુમલો કરવા માટે જૈસે મોહંમદ તથા અન્ય આંતકવાદી સંગઠનોએ ષડયંત્ર રચ્યુ હોવાની માહિતી મળતા દેશની ગુપ્તચર સંસ્થાઓ તમામ રાજય સરકારોને હાઈએલર્ટ રહેવા સુચના આપી છે
આંતકવાદી સંગઠનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટોચના રાજકારણીઓની પણ હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનું જાણવા મળી રહયું છે. ગુપ્તચર સંસ્થાઓને મળેલી બાતમી બાદ અગમચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે ૩૭૦ની કલમ હટાવ્યા બાદ કાશ્મીરમાં કેટલાક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે અલગતાવાદી નેતાઓને નજર કેદ રાખવામાં આવ્યા છે અને આંતકવાદીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
સુરક્ષાદળના જવાનો કાશ્મીરમાં તૈનાત છે અને ધીમે ધીમે પરિસ્થિતિમાં રાબેતા મુજબ બની રહી છે આ પરિસ્થિતિમાંપાકિસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠનો સક્રિય બન્યા છે અને દિલ્હી, ગાંધીનગર સહિતના દેશના ૩૦ મોટા સ્થળો પર આંતકવાદી હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે જેના પગલે જૈસે મોહંમદ અને અન્ય આંતકવાદી સંગઠનોએ આ માટે કેટલાક ખૂંખાર આંતકવાદીઓને ભારતમાં ઘુસાડવાની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓને આ અંગેની ચોક્કસ વિગતો મળતા સુરક્ષા એજન્સીઓને સાથે રાખી ચાંપતી નજર રાખવા જણાવાયું છે મોટાભાગની રાજય સરકારોને પણ સંભવિત આંતકવાદી હુમલા અંગે એલર્ટ જાહેર કરી શકમંદો પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.
દેશમાં ૩૦ શહેરોમાં આંતકવાદીઓ હુમલો કરી શકે છે તેવી બાતમી મળતા જ દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે આ ૩૦ શહેરોમાં ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે જેના પગલે ગુજરાત સરકાર પણ એલર્ટ બની ગઈ છે.
આંતકવાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સહિત ટોચના રાજકીય નેતાઓની હત્યાનું ષડયંત્ર પણ ઘડયુ છે જેના પગલે આ તમામ રાજકીય નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓને ઝડપી લેવા માટે ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં સફળતા પણ મળી રહી છે બે દિવસ પહેલા આરડીએકસનો મોટો જથ્થો અને સુરક્ષા દળના જવાનોએ કબજે કર્યાં છે. સરહદ ઉપર પણ ભારતીય લશ્કરના જવાનો એલર્ટ છે અને ઘુસણખોરીના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવી રહયા છે.