અસામાજિક તત્ત્વનો આતંક, યુવકની પીઠના ભાગે અસ્ત્રાના ઘા માર્યા
અમદાવાદ, અહીં કેમ બેઠા છો અને અહીં કેમ ઊભો છે આ બાબતને લઈને શાહીબાગ વિસ્તારની બે અલગ અલગ જગ્યા પર લુખ્ખાં તત્ત્વે છરી તેમજ અસ્ત્રા વડે બે યુવક પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. શાહીબાગની ગજાનંદ સોસાયટી પાસે પાડોશમાં રહેતા માથાભારે શખ્સે અહીં કેમ ઊભો છે તેમ કહીને યુવકના ગળાના ભાગે છરી મારી દીધી હતી.
જ્યારે બળિયા લીમડી સર્કલ પાસે એક માથાભારે શખ્સે અહીં કેમ બેઠા છો કહીને યુવકના પીઠ પર અસ્ત્રાના સાત ઘા ઝિંકી દીધા હતા. પોલીસે બંને ઘટના ગંભીરતાથી લઈને તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.
શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરધરનગરમં શાંતિપુરા મનુભાઈની ચાલીમાં રહેતા જિતેન્દ્ર ઉર્ફે ગોટાબાપુ વૈષ્ણવે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પૃથ્વી પરમાર નામના યુવક વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. જિતેન્દ્ર વૈષ્ણવના માતા પિતાનું મૃત્યુ થયું હોવાથી તે તેના ભાઈની સાથે રહે છે અને સાણંદ ખાતેની એક કંપનીમાં નોકરી કરે છે.
ગઈકાલે જિતેન્દ્ર તેના મિત્ર મેહુલ પરમાર સાથે બળિયા લીમડી ખાતે બેઠો હતો ત્યારે શાહીબાગ ઘાંચીવાડી રહેતા પૃથ્વી બંટી પરમાર આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે અહીં કેમ બેઠા છો. જિતેન્દ્ર અને મેહુલે કોઈ જવાબ નહીં આપતા પૃથ્વીએ ગાળો આપવાની શરૂ કરી દીધી હતી.
જેથી બંને મિત્રોએ ગાળો નહીં બોલવા માટેનું કહ્યું હતું. જિતેન્દ્ર અને મેહુલની વાત સાંભળીને પૃથ્વી વધુ ગિન્નાયો હતો અને જિતેન્દ્રને લાફા મારી દીધા હતા. દરમિયાનમાં પૃથ્વીએ પોતાના ખિસ્સામાં રાખેલો અસ્ત્રો કાઢ્યો હતો અને પીઠના ભાગે હુલાવી દીધો હતો.
જિતેન્દ્રને પીઠના ભાગે છ જેટલા અસ્ત્રાના ઘા ઝીંકી દીધા હતા. જેથી તે જમીન પર ઢળી પડ્યો હતો. પૃથ્વી ત્યાંથી નાસી ગયો હતો જ્યારે જિતેન્દ્રનો મિત્ર જયંત ઉર્ફે ગેંડો પરમાર આવી ગયો હતો. જ્યાં તેને એક્ટિવા પર બેસાડીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આવી જ એક બીજી ઘટના મોડી રાતે શાહીબાગમાં બની છે. જ્યાં એક યુવકના ગળા પર છરીના ઘા મારવામાં આવ્યા છે. શાહીબાગની ગજાનંદ સોસાયટીમાં રહેતા અમિત રાવતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જયેશ રાવત વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે.