Western Times News

Gujarati News

USA: હુમલાખોરે ટ્રક નીચે કચડી અંધાધૂંધ ગોળીબાર કરતાં ૧૨નાં મોતઃ ૩૬ને ગંભીર ઈજા

નવા વર્ષની ઉજવણી કરનારાઓ પર હુમલો -અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચલાવી

(એજન્સી)ન્યુયોર્ક, ૧ જાન્યુઆરીએ અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચલાવી હતી. આમાં ઓછામાં ઓછા ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બોર્બન સ્ટ્રીટ પર બની હતી. Terrorist attack in New Orleans USA

લુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ આ અકસ્માતને ‘ભયંકર’ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના કરવા કહ્યું. ન્યૂ ઓર્લિયન્સના મેયર લાટોયા કેન્ટ્રેલે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ઘટના હજુ તપાસ હેઠળ છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે એક ઝડપી વાહન આવ્યું અને લોકો પર પીકઅપ ટ્રક ચઢાવી દીધું. આ પછી એક વ્યક્તિ તેમાંથી નીચે ઉતર્યો. તેણે લોકો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પોલીસ ફોર્સે પણ ફાયરિંગ કરવું પડ્‌યું. હુમલાખોર પકડાયો છે કે કેમ તે અંગેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
સીએનએન ન્યૂઝે પોલીસ પ્રવક્તાને ટાંકીને કહ્યું કે એવું લાગે છે કે હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ નવા વર્ષની ઉજવણીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘાયલ લોકોને ન્યૂ ઓર્લિયન્સની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

આ પહેલાં ૨૫ ડિસેમ્બરે જર્મનીમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. સાઉદીના એક ડોક્ટરે મેગડેબર્ગ શહેરના બજારમાં લોકો પર કાર ચલાવી હતી. આ ઘટનામાં પાંચનાં મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

સિટી પોલીસ ચીફ એન પેટ્રિકે જણાવ્યું હતું કે હુમલાખોર વ્યક્તિએ પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.

બોર્બોન સ્ટ્રીટ પર ઘણા બાર અને રેસ્ટોરાં છે. આ વિસ્તાર એલજીબીટીકયુ પાર્ટીઓ માટે લોકપ્રિય છે અને તેને ગે સમુદાયનું હૃદય કહેવામાં આવે છે. બુધવારે નવા વર્ષની ઉજવણી કરવા માટે એલજીબીટીકયુ સમુદાયના ઘણા લોકો અહીં આવ્યા હતા.

એફબીઆઈ એજન્ટ ડંકને જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ મળી આવ્યા હતા. તેનો અર્થ એ કે અમે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ. તેમણે લોકોને સ્થળથી દૂર રહેવાની સલાહ આપી. આ ઘટનામાં હુમલાખોરે બે પોલીસ અધિકારીઓને પણ ગોળીબાર મારતાં તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એફબીઆઈએ આ ઘટનાને હજુ સુધી આતંકવાદી ઘટના ગણાવી નથી. અને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.