Western Times News

Gujarati News

11 દેશોના રાજદૂતોના કાફલા પર પાકિસ્તાનમાં આતંકી હુમલો

પોલીસ અધિકારીનું મોત,અન્ય ૪ ને ઈજા

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ૧૧ દેશોના રાજદૂતોના કાફલા પર આતંકી હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી.

આતંકવાદીઓએ રિમોટ કંટ્રોલ બોમ્બ વડે વાનને ઉડાવી દીધી હતી. આ હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત હતું.

મળતા અહેવાલ અનુસાર, જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું કે આ હુમલો વિદેશી રાજદૂતોના સમૂહને નિશાન બનાવતા કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે.

ઈજાગ્રસ્તોમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલામાં સૌથી આગળ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં તેઓ માલમ જબ્બા જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં શેરાબાદ પહોંચતા હુમલો કરવામાં આવ્યો હતો.

કાફલામાં તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત ૧૧ દેશોના રાજદૂતો સામેલ હતા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની આકરી નિંદા કરી હતી. ઝરદારીએ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ અને ઈજાગ્રસ્તો માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.