આતંકવાદી હાફિઝના પુત્ર તલ્હાએ પાકિસ્તાનમાં ભારત સામે ઝેર ઓક્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Hafiz-Said.jpg)
નવી દિલ્હી, ૨૦૦૮માં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તાલ્હા સઈદે પાકિસ્તાનનામાં ભારત સામે ઝેર ઓક્યું છે. લાહોરમાં કાશ્મીર એકતા દિવસે નિમિત્તે યોજાયેલી રેલીમાં તાલ્હાએ જેલમાં પૂરાયેલા પોતાના પિતાની મુક્તિની માગણી કરી હતી અને કોઈપણ ભોગે ‘કાશ્મીરને ભારતમાંથી આઝાદી અપાવવા’નું એલાન કર્યું હતું. પાકિસ્તાનમાં દર વર્ષે કાશ્મીર એકતા દિવસ ઉજવાય છે.
આ દિવસે યોજાયેલી રેલીમાં તાલ્હાએ કાશ્મીર અને ભારત વિરોધી રાગ આલાપ્યો હતો. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત નિશાન સાધ્યું હતું અને વડાપ્રધાનને શૈતાન ગણાવ્યા હતા. તાલ્હાએ કહ્યું હતું કે, હું મોદીને ચેતવણી આપુ છું કે, કાશ્મીર મુસ્લિમોનું છે અને અમે તમારી પાસેથી કાશ્મીર પાછું લઈને ઝંપીશું.
કાશ્મીર પાકિસ્તાન મુસ્લિમ ભારતનો ભાગ બનશે. તાલ્હાએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો બચાવ કર્યાે હતો. આ આતંકવાદી સંગઠનના નેજા હેઠળ જ તાલ્હાના પિતાએ હાફિઝ સઈદે ૨૦૦૮માં મુંબઈમાં આતંકવાદી હુમલા કર્યા હતા.
અમેરિકા અને યુનાઈટેડ નેશન્સ સહિત સમગ્ર વિશ્વમાં લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરાયું છે ત્યારે તાલ્હાએ આ સંગઠન પરના પ્રતિબંધોને પ્રોપગેન્ડા ગણાવ્યા હતા.
તાલ્હાએ પોતાના પિતાની કેદની કાયદેસરતા સામે સવાલ ઊઠાવ્યા હતા અને પાકિસ્તાની સરકાર સમક્ષ હાફિઝને જેલમાંથી છોડવા માગણી કરી હતી.હાફિઝ સઈદ ગુનેગાર ન હોવા છતાં જેલમાં શા માટે સબડી રહ્યા છે? તેવો સવાલ પૂછીને તાલ્હાએ પાકિસ્તાન સરકારને ન્યાય કરવા કહ્યું હતું. આ રેલીમાં સેંકડો આતંકવાદી સમર્થકોએ ભાગ લીધો હતો.
તાલ્હાની માગણીના સમર્થનમાં તેમણે હાફિઝ સઈદ અને આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. હાફિઝ સઈદે આતંકવાદ ફેલાવવા માટે લશ્કર-એ તૈયબા અને જમાત-ઉદ-દાવાની સ્થાપના કરી હતી. ભારતમાં આતંકવાદી હુમલા કરવા તેણે આ સંગઠનનોનો ઉપયોગ કર્યાે હતો. ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં ૧૬૦ વ્યક્તિનાં મોત નીપજ્યા હતાં.SS1MS