Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ત્રાસવાદીઓના લોન્ચ પેડ સક્રિય

પ્રતિકાત્મક

(એજન્સી)શ્રીનગર, પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ઓછી કરતુ નથી. છેલ્લા કેટલાક દિવસોથી સરહદેથી ઘૂસણખોરો સતત ભારતીય સરહદમાં ઘૂસીને આતંકવાદી કૃત્યો કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમ છતાં સરહદ પારથી ઘૂસણખોરી ચાલુ રહેવા પામી છે. આંતરરાષ્ટ્રીય સરહદ હોય કે નિયંત્રણ રેખા, પાકિસ્તાન ચારે બાજુથી આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલી રહ્યું છે.

દરમિયાન, ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીને માહિતી મળી છે કે, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ૈંજીંએ ફરી એકવાર આતંકવાદીઓની વ્યાપક ઘૂસણખોરી કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આતંકવાદીઓના લોન્ચ પેડ્‌સ સક્રિય કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લાન્ચ પેડ આતંકવાદી સંગઠનોએ પાકિસ્તાનની મદદથી મટ્ટેવાલા, હેડમરલા, સહંશામાં બનાવ્યા છે.

હકીકતમાં, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ માટે આતંકવાદી છાવણીઓ પણ બનાવવામાં આવે છે. જ્યાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. હાલમાં જમ્મુ ડિવિઝનમાં લગભગ ૫૦ આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી મોટાભાગના આતંકવાદીઓ એફટી એટલે કે વિદેશી આતંકવાદીઓ હોવાનું કહેવાય છે.

ભારતીય સેના આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કાશ્મીર ખીણની સાથેસાથે જમ્મુ ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં સેના અને સુરક્ષા દળો દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી આતંકવાદીઓને જલદીથી ખતમ કરી શકાય. ઉલ્લેખનિય છે કે ૧૪ જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા હતા. તેમની પાસેથી ઘાતક હથિયાર અને અન્ય શસ્ત્ર સામગ્રી પણ મળી આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.