મોગાદિશુમાં હયાત હોટલમાં ઘૂસી ગયા આતંકીઓ, ૨ કારથી ઘડાકા

મોગાદિશુ, સોમાલિયાના મોગાદિશુમાં એક હોટલમાં મોટો આતંકી હુમલો થયો છે. જેમાં ઓછામાં ઓછા ૮ લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હોટલમાં મોડી રાતે થયેલા આતંકી હુમલાથી સમગ્ર શહેર હચમચી ગયું છે. સશસ્ત્ર હુમલાખોરોએ કાર બોમ્બ વિસ્ફોટ દ્વારા આ હુમલાને અંજામ આપ્યો.
પોલીસ તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે મોગાદિશુની હયાત હોટલમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓ હજુ પણ હોટલની અંદર જ છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી છે. આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આતંકી સંગઠન અલ કાયદા સાથે જાેડાયેલા અલ શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આતંકીઓએ બે કારમાં બોમ્બ વિસ્ફોટ કર્યો અને ફાયરિંગ પણ કર્યું. બે કાર બોમ્બમાંથી એક કાર હોટલ પાસે બેરિયરને ટકરાઈ અને બીજી હોટલના ગેટ સાથે જઈ અથડાઈ. બંને કારમાં જાેરદાર ધમાકાના અવાજથી વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. હોટલની અંદરથી પણ અનેક ધડાકાના અવાજ સંભળાયા.
માહિતી મુજબ સુરક્ષા અધિકારી અબ્દુલકાદિર હસને જણાવ્યું કે હયાત હોટલ પર થયેલા હુમલા બાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આતંકી હજુ પણ હોટલમાં જ છે. હુમલાની જવાબદારી લેનાર અલ શબાબ લગભગ ૧૫ વર્ષથી સોમાલિયાની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઘાતક વિદ્રોહ કરી રહ્યું છે.HS1MS