Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં એરબેઝ સહિત બે સ્થળે આતંકીઓ ત્રાટક્યા: ૬ ચીની નાગરિકના મોત

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ફરી એક વખત આતંકવાદીઓએ બે સ્થળો પર હુમલા કર્યા છે પાકિસ્તાનમાં સૌથી મોટા એરબેઝ ઉપર હુમલો કરતાં પાકિસ્તાનના જવાનો એલર્ટ થઈ ગયા હતા. સામસામે અંધાધૂધ ગોળીબારમાં ૪થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે બીજા એક હુમલામાં આતંકવાદી બોમ્બરે ચીનના નાગરિકોના કાફલાને નિશાન બનાવી વિસ્ફોટ કરતાં છ ચીની નાગરિકોના મોત નિપજ્યા છે.

આતંકવાદીઓએ સોમવારે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એર બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હુમલામાં સિદ્દીક એરબેઝને કોઈ નુકસાન થયું નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના તુર્બત જિલ્લામાં નેવલ એરબેઝમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તરત જ તેમની ઓળખ કરી લેવામાં આવી હતી અને તેમને ઠાર મારવામાં આવ્યા હતા. જો કે આ ઘટના અંગે પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

એક રિપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે આતંકવાદીઓએ તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પીએનએસ ઁદ્ગજી સિદ્દીક પર હુમલો કર્યો હતો. બંન્ને સ્થળો પર ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ધ બલૂચિસ્તાન પોસ્ટને ટાંકીને કહ્યું કે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પીએનએસ સિદ્દીક પર આતંકી હુમલો થયો છે. આ વિસ્તારમાં અનેક વિસ્ફોટના પણ અહેવાલ છે.

આતંકવાદી હુમલા બાદ આરોગ્ય અધિકારીઓએ તુર્બતની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે અને તમામ ડોક્ટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૬ ચીની નાગરિકોના મોતને લઇ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આ હુમલો થયો છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના શાંગલામાં તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આત્મઘાતી હુમલાખોરે ચીની નાગરિકની કારને ટક્કર મારતા કાર ખીણમાં પડી હતી.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં છ ચીની નાગરિકોના મોત થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે તેમના કાફલાને નિશાન બનાવ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લાના બેશમ વિસ્તારમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલી કાર ચીની નાગરિકોના કાફલા સાથે અથડાવી હતી.

સ્થાનિક પોલીસ અધિકારીઓએ પાંચ વિદેશી એન્જિનિયરો અને તેમના ડ્રાઇવરના મૃત્યુ થયાની પૃષ્ટી કરી છે. આ હુમલામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇસ્લામાબાદથી કોહિસ્તાન જતા સમયે ચીની નાગરિકોના કાફલાને નિશાન બનાવાયો અને હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે કથિત રીતે ચીની નાગરિકોની કારને ટક્કર મારી હતી જેના કારણે કાર ખીણમાં ખાબકી હતી.

બલૂચિસ્તાનમાં સ્થાનિક વસ્તી દાયકાઓથી પાકિસ્તાન સરકાર સામે બળવો કરી રહી છે પરંતુ તેમ છતાં ચીને અહીં ભારે રોકાણ કર્યું છે. ચીન પાકિસ્તાનથી તેના દેશમાં એક આર્થિક કોરિડોર બનાવી રહ્યું છે, જેમાં ગ્વાદર પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ થવાનો છે. બલૂચિસ્તાનનો મોટો હિસ્સો આ સીપીઈસી પ્રોજેક્ટનો ભાગ છે, જેનો બલૂચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓ વિરોધ કરે છે અને રોજેરોજ હુમલાઓ કરે છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર તમામ ચીની એન્જિનિયર્સ દાસુમાં તેમના કેમ્પ તરફ જઈ રહ્યા હતા. ખાસ કરીને દાસુ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના નિશાન પર રહ્યું છે, જ્યાં ૨૦૨૧માં મોટો હુમલો થયો હતો. ત્યારબાદ બસ પર થયેલા હુમલામાં ૯ ચીની નાગરિકો સહિત ૧૩ લોકો માર્યા ગયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હુમલાખોરોએ નેવલ એર બેઝ પર હુમલો કર્યો છે, જેમાં એક સૈનિકનું પણ મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરબેઝ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે મહત્વપૂર્ણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.