ટેસ્લાના આગમન પૂર્વે ભારતમાં EV પોલિસીમાં ફેરફાર શક્ય

સરકારને તેની ઈવી પોલિસીને કારણે અન્ય કંપનીઓ તરફથી પણ સારો પ્રતિભાવ મળે તેવી અપેક્ષા છે
નવી દિલ્હી, ભારતમાં ટેસ્લાના આગમનના એંધાણ વચ્ચે સરકાર દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવી પોલિસીની શરતોમાં સુધારો કરે તેવી શક્યતા છે. ટેસ્લા જેવી ઈલેક્ટ્રિક વેહિકલ કંપનીઓને દેશમાં ઉત્પાદન શરૂ કરવા માટે આકર્ષવા માટે સુધારેલી ઈવી પોલિસીમાં કાર ઉત્પાદકે બીજા જ વર્ષે રૂ. ૨,૫૦૦ કરોડનું ટર્નઓવર દર્શાવવું ફરજિયાત બનાવાશે તેમ એક સૂત્રએ માહિતી આપતાં જણાવ્યું હતું.
આ ઉપરાંત સરકાર આયાત ડ્યૂટીમાં વધુ રાહત પણ આપી શકે છે. માર્ચના મધ્ય સુધીમાં સુધારેલી ઈલેક્ટ્રિક વેહિકલ પોલિસીની જાહેરાત થવાની શક્યતા છે. ત્યારબાદ સરકાર આ માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે. ઓગસ્ટ સુધીમાં આ અરજીઓને મંજૂરી અપાશે અને ત્યારબાદ આયાત શરૂ થશે. ટેસ્લા ભારતમાં કારનું ઉત્પાદન તરત શરૂ નહીં કરે.
શરૂઆતમાં તે બર્લિનમાં આવેલી તેની ગિગાફેક્ટરીમાંથી તૈયાર કાર ભારતમાં આયાત કરશે અને તબક્કાવાર ભારતમાં ઉત્પાદન શરૂ કરશે.સરકારને તેની ઈવી પોલિસીને કારણે અન્ય કંપનીઓ તરફથી પણ સારો પ્રતિભાવ મળે તેવી અપેક્ષા છે. નવી ઈવી પોલિસી ગયા વર્ષે માર્ચ મહિનામાં જાહેર કરાઈ હતી, જેમાં સરકારે કેટલીક ચોક્કસ શરતો સાથે તેની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ૧૫ ટકા કરી હતી.
આ સિવાય તેમાં ઈવી ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે ઓછામાં રૂ. ૪,૧૫૦ કરોડના કરોડનું રોકાણ, ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવું, ત્રણ વર્ષની અંદર સ્થાનિક વેલ્યુ એડિશન(ડીવીએ)ને ૨૫ ટકા સુધી લઈ જવી અને મહત્તમ પાંચ વર્ષમાં ડીવીએને ૫૦ ટકા સુધી લઈ જવા જેવી શરતોનો સમાવેશ કરાયો છે.
નિષ્ણાતો અનુસાર, ૨૦૩૦ સુધીમાં ભારતમાં ઈવી માર્કેટ ૪૦ ટકાએ પહોંચી ૧૦૦ અબજ ડોલરની રેવન્યુના આંકને સ્પર્શી શકે છે. ટેસ્લા હાલ પૂણેમાં એક ઓફિસ ધરાવે છે અને તે મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને દિલ્હીમાં એરોસિટી ખાતે દેશમાં પોતાના પ્રથમ શો-રૂમ્સ શરૂ કરવા માટે મોકાની જગ્યાઓ માટે શોધ ચલાવી રહી છે.