સ્વીચ ઓન કરવા જતા જ વીજ કરંટ લાગ્યો: ભાઈને બચાવવા જતાં બીજા બે ભાઈઓએ જીવ ગુમાવ્યો
(પ્રતિનિધિ)નડિયાદ, ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામના પરમારપુરા વિસ્તારમાં સાંજના સુમારે વીજ કરંટ લાગતા બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈઓના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ અંગે ડાકોર પોલીસે એકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ઘરી છે. મળતી વિગતો અનુસાર ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામના પરમારપુરામાં રહેતા જગદીશભાઈ ગુણવતંભાઈ પરમાર (ઉ.વ. ૨૩) ગઈકાલ સાંજના સુમારે પોતાના ઘરે નહાવા જતો હતો ત્યારે લાઈટ ચાલુ કરવા માટે સ્વીચ ઓન કરવા જતા જ વીજ કરંટ લાગ્યો હતો
જેથી બુમાબુમ કરતા તેનો ભાઈ નહેન્દ્ર ગુણવંતભાઈ પરમાર (ઉ. વ. ૩૮) આવી ચડતા ભાઈને વિજ કરંટ લાગ્યો હોવાનું જોઈને તેનો આજ પકડી ખેંચવા જતા તેને પણ વીજ કરંટ લાગતા તે પણ ચોંટી જવા પામ્યો હતો. . જેથી બન્નેને બચાવવા જતા પિતરાઈ ભાઈ ભાનુભાઈ બુધાભાઈ પરમાર (ઉ. વ. ૫૦) ને પણ વીજ કરંટ લાગ્યો હતો. આમ, એકી સાથે ત્રણ યુવાનોને વીજ કરંટ લાગતા જ પરિવારના સભ્યોએ ભારે બુમરાણ મચાવી મુકી હતી.
જેથી આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને લાઈટ બંધ કરીને ત્રણેયને સારવાર માટે તુરંત જ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણેય મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતુ.
ઘટનાની જાણ ડાકોર પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અત્રે નોંધનીય છે કે એક જ ઘરમાંથી ત્રણ વ્યક્તિઓની સ્મશાન યાત્રા નીકળતા આખા ગામમાં દુઃખની લકીર ખેંચાઈ ગઈ હતી અચાનક બનેલી આ ઘટનાએ આખા ગામને દુઃખમાં નાખી દીધો હતો.