GTUનો ૧૨મો દીક્ષાંત સમારંભ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણપદક એનાયત
(માહિતી) ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે પદવી અને સુવર્ણપદક એનાયત કરાયા હતા. ૪૩૪ કોલેજાે, ૩.૭૦ લાખ વિદ્યાર્થીઓ અને ૧૪,૦૦૦ થી વધુ અધ્યાપકો ધરાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની આ યુનિવર્સિટીના દીક્ષાંત ઉદબોધનમાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભૌતિકતા પૂર્ણ બનાવે છે, તો આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે ગત વર્ષથી ભારતીય સંસ્કૃતિ, ભારતીય દર્શન, પ્રાચીન ભારતીય જ્ઞાન, વેદ, પુરાણ અને ઉપનિષદના ૧૨ અભ્યાસક્રમ શરૂ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, આ યુનિવર્સિટી પરિપૂર્ણ વ્યક્તિને સંપૂર્ણ માનવ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.
જીટીયુના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સંસ્થાન તરીકેની ખ્યાતિ મેળવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં ૩૦૭ વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં અધ્યયન કરી રહ્યા છે. ગત વર્ષે ૩૦ દેશોના ૧૧૭ વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ વિદ્યાર્થીઓ ,શિક્ષકો અને તેમના માતા-પિતાની તપસ્યાનું પરિણામ છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજમાં જઈને વિદ્યા વિસ્તારવા, માનવતાની ભલાઈ કરવા, રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેવા અને પરિવારનું ગૌરવ વધારવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો ગૌરવપૂર્ણ દિવસ એટલે દીક્ષાંત સમારોહ. આ ગૌરવપૂર્ણ દિવસે આચાર્ય દેવવ્રત જેવા મહાપુરુષની ઉપસ્થિતિ હોય અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય એ ખૂબ જ મહત્ત્વની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ જીટીયુ એ શરૂઆત કરી હતી અને આજે ઉચ્ચ ટેકનિકલ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે તે સરાહનીય છે. જીટીયુ એ વિદ્યાર્થીઓને ટેકનિકલ ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરવા અને ઓળખ ઊભી કરવા માટેનું એક ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાં થકી આજે વિદ્યાર્થીઓએ અવનવા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. આવા જ ઇનોવેશન અને સ્ટાર્ટઅપથી આપણે આગળ વધી રહ્યા છીએ અને દેશમાં નિકાસની ગતિને વેગ આપી રહ્યા છીએ સાથે સાથે રોજગાર લેનાર નહિ પરંતુ રોજગાર આપનારની ભૂમિકા ભજવી રહ્યા છીએ, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આજે ટેકનોલોજીને રોજબરોજ આગળ લઈ જવાનું કાર્ય કરતી અને વિદ્યાર્થીઓને તૈયાર કરતી એવી જીટીયુનાં ૧૨માં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ આનંદ અનુભવું છું. વધુમાં ઉમેર્યું હતું કે, ટેકનોલોજી એ એવી બાબત છે જે મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ લાવી સરળતાથી કાર્ય પાર પાડી શકાય છે અને સમયની બચત કરી શકાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ આજે આપણે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, અવનવા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનથી ભારત અવનવા અયામોને પરિપૂર્ણ કરી રહ્યો છે તે ખૂબ જ ગર્વની બાબત છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી એસ. જે. હૈદર, આઇઆઇટી, ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી રજત મુના, જીટીયુના વાઈસ ચાન્સેલર પંકજ રાય પટેલ, રજિસ્ટ્રાર શ્રી કે.એન. ખેર, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.