વાલિયાથી નેત્રંગને જાેડતા ૩૦ કિલોમીટર લાંબા માર્ગનું સાંસદના હસ્તે કરાયું ખાતમુર્હુત

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના વાલિયાથી નેત્રંગને જાેડતા અને રૂપિયા ૧૮ કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર ૩૦ કિલોમીટર લાંબા બે માર્ગોના નવીનીકરણના કામનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નેત્રંગને જાેડતા બે માર્ગોના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ભરૂચ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા સહિત સરપંચોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત હસ્તકના આ માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ હતી.
વાલિયા નેત્રંગ તાલુકાના ગુંડિયા, કામલિયા, ઝરણાં, વાઘણદેવી, પાંચસિમ,ભેંસખેતર, દત્તનગર અને નેત્રંગ-વાલિયા હાઈવેને જાેડતો ૧૭.૬૦ કિમીનો માર્ગ રૂપિયા ૧૦.૨૬ કરોડના ખર્ચે નિર્માણ પામશે.જ્યારે બીજાે ૧૨.૩૭ કિમીનો માર્ગ રૂપિયા ૭.૫૨ કરોડના ખર્ચે રાજગઢ, ભાગા, ભરાડીયા, હોલા કોતર, મોખડી અને રાજપરા ચોકડીને જાેડશે.આ માર્ગના નવ નિર્માણના કારણે બન્ને તાલુકાનાં અનેક ગામોના લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહેશે.