AAPના મંત્રીએ જ AAP પર ભ્રષ્ટાચાર અને પાર્ટીમાં દલિતોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળવાનો આરોપ લગાવ્યો
અરવિંદ કેજરીવાલને લાગ્યો મોટો ઝટકો -દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપી દીધું
નવી દિલ્હી, મુશ્કેલીઓથી ઘેરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક બાદ એક મોટા ઝટકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપતા દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું.
આ દરમિયાન રાજકુમારે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચાર અને પાર્ટીમાં દલિતોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. આ સરકારમાં મંત્રી તરીકે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે.
તેમણે કહ્યું કે હું આ પાર્ટી, સરકાર અને મંત્રી પદ પરથી રાજીનામું આપું છું. કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ ભ્રષ્ટાચાર સાથે જોડાય. તમને જણાવી દઈએ કે તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. તાજેતરમાં જ ઈડીએ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં ઈડ્ઢની ટીમ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ઈડીએ તેના સાથે સંબંધિત એક ડઝનથી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.
દિલ્હીની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર (મંગળવાર, ૯ એપ્રિલ, ૨૦૨૪) હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.
સીએમ કેજરીવાલે ધરપકડને પડકારતી અરજી કોર્ટમાં કરી હતી. દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. ઈડી પાસે પૂરતી સામગ્રી હતી જેના કારણે તેમને કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ દ્વારા તપાસમાં ન જોડાવું, તેના કારણે વિલંબથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા લોકો પર પણ અસર પડી રહી છે, એમ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું.