Western Times News

Gujarati News

એસીના કારણે આખા ઘરમાં આગ પ્રસરી ગઈ

અમદાવાદ, શહેરના રાજપથ ક્લબ નજીક ૧૨ માળની બિલ્ડિંગના ત્રીજા માળે માતા-પિતા સાથે રહેતી છ વર્ષની એક છોકરીએ રવિવારે મોડી રાતે એસી ચાલુ કરતાં જ આગ ભભૂકી ઉઠી હતી અને તેનું આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. જાે કે, નાનકડી છોકરીની સતર્કતાએ બિલ્ડિંગના અન્ય રહેવાસીઓને નુકસાન ન થાય તેની ખાતરી કરી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ આખું ઘર અને તેમા રહેલો તમામ સામાન રાખ થઈ ગયો હતો. રવિવારે રાતે આશરે ૧૦.૧૫ કલાકે, આદિત્યસિંહ ઝાલા અને કામાક્ષી ઝાલાની દીકરી વીરાંગના ઝાલા, જે છ વર્ષની છે અને ધોરણ ૧માં અભ્યાસ કરે છે તેણે બોડકદેવના પાર્કવ્યુ એપાર્ટમેન્ટ સ્થિત તેના ઘરે એસી ચાલુ કર્યું હતું.

એસીના રિમોટનું બટન દબાવતાની સાથે જ એસીમાં તણખો થયો હતો, જે આગમાં ફેરવાયો હતો. કામાક્ષીએ જણાવ્યું હતું કે, તેની દીકરી તરત જ અન્ય રહેવાસીઓના ઘરે ગઈ અને તેમના ઘરે લાગેલી આગ વિશે જણાવ્યું હતું. ‘સૌથી પહેલા લોકોને તે મજાક કરી રહી હોવાનું લાગ્યું હતું.

પરંતુ બાદમાં ઘરમાંથી ઘૂમાડા નીકળતા અસલીમાં આગ લાગી હોવાનું તેમને સમજાયું હતું. તેના કારણે, અન્ય તમામ રહેવાસીઓ બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો’ તેમ કામાક્ષીએ ઉમેર્યું હતું.

આગ બાદ આશરે ૬૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓ જાહેર બગીચામાં રહ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવા માટે તેના પાડોશીઓએ ઓછામાં ઓછા છ અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહોતો.

આ દરમિયાન, કેટલાક રહેવાસીઓએ ફાયર બ્રિગેડ બોલાવી હતી, જેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગ્યો હતો. કામાક્ષીએ જણાવ્યું હતું કે, ૯ ઓગસ્ટના રોજ તેની દીકરીનો જન્મદિવસ છે અને આ પહેલા જ તેમનું આખું ઘર બળી ગયું. અમદાવાદના ફાયર અને ઈમરજન્સી સર્વિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગને ઠારવા માટે એક નાનું ફાયરટેન્ડર અને એક વોટર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવતો હતો. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.