રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલની ચોરી કરતા આરોપીઓ ઝડપાયા
(એજન્સી)સુરત, સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ કીંમતી સમાન ચોરી થતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. ત્યારે સિંગણપોર પોલીસે રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઝડપી પાડ્યા છે.
સિંગણપોર પોલીસે બાતમીના આધારે અલાઉદિન ઉર્ફે મામુ નજમુદિન સૈયદ, મુસ્તાકખાન સલીમખાન પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝુ કયુમ શાહ અને કલીમ સલીમ શાહને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ૧૯ મોબાઈલ તેમજ એક ઓટો રીક્ષા મળી કુલ રૂ.૩.૪૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અલાઉદિન રીક્ષા ડ્રાઈવિંગ કરતો હતો અને બીજા મુસ્તાક પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝુ તથા કલીમ શાહ પેસેન્જર તરીકે પાછળ બેસતા હતા અને અન્ય પેસેન્જરોને વચ્ચે બેસાડી નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરતા હતા.
પેસેન્જર પાસેથી મોબાઈલ ચોર્યા બાદ સર્કલ નજીક રીક્ષા ઉભી રાખી પેસેન્જરોને કહેતા હતા કે આગળ સર્કલ ઉપર પોલીસ હોય છે તમે સર્કલ વટાવીને આગળ આવી જાવ તેમ કહી ત્યાંથી ફરાર થઇ જતા હતા.