કારમાં બકરા ચોરી જતાં આરોપીઓ ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર સ્ટેશન ટાંકી ફળિયા માંથી પાંચ દિવસ પહેલા થયેલી બકરા ચોરીના ગુનાને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બકરા ચોરોને ઝડપી લીધા છે.જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર સ્ટેશન રોડ ટાંકી ફળિયામાં રહેતી ગુલામબીબી સલીમ ઈબ્રાહીમ પટેલના મકાનમાં ૧૭મી ફેબ્રુઆરીના રોજ પશુ ચોર ત્રાટકયા હતા.તેઓએ મકાનની ગ્રીલ કાપી તાળું તોડીને મકાનમાં પ્રવેશ કરીને એક ફોરવ્હીલ કારમાં નાના-મોટા બકરા અને બકરીઓ મળીને કુલ ૧૨ પશુઓની ચોરી કરી ગયા હતા.જે મામલે ગુલામબીબીએ પોલીસ મથકે પશુઓ કિં.રૂ.૯૮ હજારના ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે સીસીટીવી ફુટેજ અને સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા બકરા ચોરીમાં વપરાયેલી ગાડીનો નંબર મેળવી ગાડી કરજણ ટોલ અને માંડવા ટોલ પાસેથી પસાર થઈ હોવાનું ખુલ્યું હતું.જાેકે બાતમીદારે આ ગાડી વટવા-અમદાવાદ ખાતે રહેતા પપ્પુ ગુલાબભાઈ ચુનારાની પાસે હોવાનું જણાવ્યું હતું.
જેની માહિતી મળતાની સાથે અંકલેશ્વર પોલીસ વટવા પહોંચી સ્થાનિક પોલીસની મદદથી ગાડીના માલિક પપ્પુ અને અન્ય એક આરોપી દિપક રાજકુમાર પટેલને ગાડી સાથે અંકલેશ્વર લાવી કડકાઈથી પૂછતાછ કરતા તેઓએ જ આ બકરાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જેમાં તેમનો અન્ય એક સાગરીત ધોળકાનો ઈમરાન ઉર્ફે કાબરોને વોન્ટેડ જાહેર કરી તેમની પાસેથી એક બ્રેઝા કાર કિં.રૂ.૫ લાખ, એક એપલ મોબાઈલ કિં.રૂ.૨૦ હજાર અને બીજાે રૂ ૧૫ મોબાઈલ કિં.રૂ.૫ હજાર મળીને કુલ રૂ.૫,૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ગુનાની તપાસ પીએસઆઈ એ.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે.