ચોરી કરવાના ઈરાદે આવેલા આરોપીએ કુહાડીના ઘા મારી માતા-પુત્રની હત્યા કરી
(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના પાટી ગામે ત્રણ દિવસ પહેલા માતા પુત્રની બેવડી હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. અમરેલી એસ.પી.એ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી આપી છે.
ખાંભા તાલુકાના પાટી ગામે તારીખ ૨૬ જૂનની રાત્રે પોતાની વાડીએ માતા પુત્રની હત્યા થઈ હતી. આ હત્યાના પગલે સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અમરેલી પોલીસ અને સાવરકુંડલા ડીવાયએસપી વોરાના સુપરવિઝન નીચે જુદી જુદી ૧૧ ટીમો બનાવી.
આ આરોપીને ત્રણ દિવસમાં શોધી કાઢ્યા. માતા અને પુત્રને વાડીએ જ રહેતા હતા. ત્યાં જ કુહાડીના ઘા મારી હત્યા નીપજાવી હત્યારાઓ નાસી છૂટ્યો હતો. ચોરીના ઈરાદે આરોપી વાડીએ આવ્યો હતો. પરંતુ ચોરી ન કરી શક્યો અને હત્યા કરીને ભાગી ગયો હતો.
સમગ્ર ઘટનાની ઉપર નજર કરીએ તો ૨૬ જૂનની રાત્રે સુરેશભાઈ જીવરાજભાઈ સુહાગીયાની વાડીએ ચોરી કરવાના ઇરાદે આવેલા આ હત્યારાઓએ પ્રથમ સુરેશભાઈ સાથે માથાકૂટ થઈ અને કુહાડીના ઘાથી માથા ઉપર ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતાર્યા. ત્યારબાદ વાડીએ તેમની ઓરડીમાં ચોરી કરવા ગયા.
પરંતુ અંદર કપાસ ભરેલો હોય કંઈ હાથમાં ન આવ્યું અને ત્યાં સુતેલા સુરેશભાઈના માતા દૂધીબેન જાગી જતા તેમના ઉપર જીવલેણ હુમલો કરી મોત નીપજાવ્યું. આ હત્યારાઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરડાયેલો છે. બંને સગા ભાઈઓ છે. મનસુખ ઉર્ફે મુન્નો નાનજી વાઘેલા રહેવાસી ફાટસર ગીર ગઢડા અને તેનો જ સગો ભાઈ નરેશ ઉર્ફે નર્યો નાનજી વાઘેલા આ બંને સગા ભાઈઓએ પાટી ગામે માતા પુત્રની હત્યા કરવાનો ગુનો કબૂલ કરી લીધો છે.