“ભૂલ ભુલૈયા ૩”ની ધમાલ સામે સિંઘમ અગેઇનની એક્શન થોડી ફિકી પડી
મુંબઈ, રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ને સોમવાર સુધી બોક્સ ઓફિસ પર દુનિયાભરમાંથી રૂ.૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે. ભારતમાં આ ફિલ્મે ૧૫૦ કરોડના આંકડાને પાર કરી લીધો છે. જો કે ભૂલ ભુલૈયા ૩ને રૂ.૨૪૦ કરોડથી વધુની આવક થઈ છે.
પહેલાં વીકેન્ડમાં જ ગતિએ દોડ્યા બાદ હવે બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો થોડી ધીમી પડી છે પરંતુ ભૂલ ભુલૈયા ૩ની ધમાલ સામે સિંઘમ અગેઈનની એક્શન થોડી ફિકી પડી હોય તેમ જણાય છે. મંગળવારે પાંચમા દિવસે ‘સિંઘમ અગેઇન’ને ૧૩.૫૦ કરોડની આવક થઈ હતી.
સોમવારની ૧૮ કરોડની આવકમાં ૨૫ ટકા ઘટાડો થયો હતો. પરંતુ આ ઘટાડો અપેક્ષિત હતો, કારણ કે દેશભરમાં દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. આ ઘટાડા છતાં ફિલ્મે ૧૫૦ કરોડની કમાણીનું લક્ષ્યાંક પૂરું કરી લીધું છે અને કુલ ૧૫૩.૨૫ કરોડના આંકડાને પાર કરી લીધો છે.
મહત્વની અને રસપ્રદ વાત એ છે કે, રોહિત શેટ્ટીની ફિલ્મો કુલ ૨૦૦૦ કરોડની આવકથી માત્ર ૨૧૮ કરોડ દૂર છે. ફિલ્મ હાલ ઝડપથી વધુ ૨૦૦ કરોડના માઈલ સ્ટોન તરફ આગળ વધી રહી છે. ‘સિંઘમ અગેઇન’ રોહિત શેટ્ટીની ૧૬મી ફિલ્મ છે. તેમની આ ફિલ્મોને અત્યાર સુધી કુલ ૧૭૮૨ કરોડની આવક થયેલી છે. જ્યારે સિંઘમ અગેઇન રોહિત શેટ્ટીની ૧૦મી ફિલ્મ છે, જેણે ૧૦૦ કરોડનો લક્ષ્યાંક પાર કર્યાે હોય.
હોલિવૂડમાં માર્વેલની ફિલ્મો બનાવનારા રુસો બ્રધર્સ સાથે રોહિત શેટ્ટીને કોપ યુનિવર્સની ફિલ્મો બદલ સરખાવવામાં આવી રહ્યા છે. જો રોહિત શેટ્ટીની કુલ ૨૦૦૦ કરોડની આવકની વાત કરવામાં આવે તો તેની પહેલી ફિલ્મ ‘ઝમીન’ની કમાણી ૧૧ કરોડ, ‘ગોલમાલ-ફન અનલિમિટેડ’ ૩૦ કરોડ, ‘સંડે’ ૨૦ કરોડ, ‘ગોલમાલ રીટર્ન્સ’ ૫૧.૯૦ કરોડ, ‘ઓલ ધ બેસ્ટ –ફન બિગિન્સ’ ૪૧.૪૦ કરોડ, ‘ગોલમાલ ૩’ ૧૦૬ કરોડ, ‘સિંઘમ’ ૧૦૦ કરોડ, ‘બોલ બચ્ચન’ ૧૦૨ કરોડ, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ૨૨૭ કરોડ, ‘સિંઘમ રીટર્ન્સ’ ૧૪૧ કરોડ, ‘દિલવાલે’ ૧૪૮ કરોડ, ‘ગોલમાલ અગેઇન’ ૨૦૫.૭૨ કરોડ, ‘સિમ્બા’ ૨૪૦ કરોડ, ‘સૂર્યવંશી’ ૧૯૫ કરોડ, ‘સર્કસ’ ૨૦.૮૫ કરોડ કમાઈ હતી, જ્યારે ‘સિંઘમ અગેઇન’ હવે ૨૦૦ કરોડ તરફ ગતિ કરી રહી છે.
દિવાળી પર ‘ભૂલ ભુલૈયા ૩’ પણ રિલીઝ થઈ હતી. રિલીઝ પહેલાં બંને ફિલ્મો વચ્ચે ટક્કરના કારણે કોઈ એક ફિલ્મને નુકસાન થવાની શક્યતાઓ અને ધારણાઓ ચાલતી હતી.
ત્યારે હવે પાંચ દિવસમાં ‘ભુલભુલૈયા ૩’એ પણ વર્લ્ડ વાઇડ ૨૦૦ કરોડના આંકડાને પાર કરી લીધો છે. ત્રણ જ દિવસમાં આ ફિલ્મે ૧૫૫ કરોડનું લક્ષ્યાંક પાર કરી લીધું હતું અને હવે પહેલા સોમવારે થોડી ધીમી ગતિએ આગળ વધતાં ૨૫.૫૦ કરોડની કમાણી સાથે ચાર દિવસમાં ૧૮૦.૫૦ કરોડની કમાણી કરી છે.
કાર્તિક આર્યનની હોરર કોમેડીએ મંગળવારે ૨૦.૫૦ કરોડ ભારતમાં તેમજ વર્લ્ડ વાઇડ ૫ કરોડની કમાણી કરી છે. આમ પાંચ દિવસના અંતે ૨૦૧ કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની ટોટલ ઓવરસીઝ કમાણી ૪૫.૨૫ કરોડ થઈ ગઈ છે.
આમ વૈશ્વિક બોક્સ ઓફિસમાં કુલ કમાણી ૨૪૦ કરોડથી લઇને ૨૫૫ કરોડ સુધીની થઈ ગઈ છે. આવનારા દિવસોમાં આ ફિલ્મોમાંથી કોનો હાથ ઉપર રહે છે તે જોવું રહ્યું.SS1MS