વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધ લોકોના ઘરે જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું
(પ્રતિનિધી) ભરૂચ, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહન પણ જાેવા મળી રહ્યો છે.ઝધડિયા વિધાનસભા મતવિસ્તારમાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા થનગની રહી છે, તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા એટલા જ ઉત્સુક છે. આવા જ ૧૨૧ મતદારો એ પોતાનો મત અધિકાર પોસ્ટલ બેલેટ થી મત આપી કર્યો છે.
ત્યારે આવા મતદારો મતદાનના દિવસે મતદાન મથકે નહિ જઈ શકાનાર લોકો માટે ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારના વહીવટી તંત્ર દ્વારા તેમની યાદી તૈયાર કરીને તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરાવવાનું અયોજન કર્યું હતુ. જેના ભાગરૂપે તા.૨૧ અને ૨૨ ના રોજ વહીવટી તંત્રની ટીમો પોલીસ અને અધિકારીઓની હાજરીમાં ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના ૪૮ થી વધુ ગામોમાં આવા મતદારો ના નિવાસ સ્થાનેથી પોસ્ટલ બેલેટ પેપરથી વોટીંગ કરાવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના આવા ગામોની વાત કરીએ તો રૂઢ, ઝઘડિયા, સુલતાનપુરા, પડવાણીયા, વાસણા, બોરજાઇ, ધારોલી જેવા ગામોમાં તથા વાલીયા તાલુકાના વાલીયા, દેસાડ, ડેહલી, શીર, રૂધા, મૌજા, રાજવાડી, કંબોડિયા મોટા જાંબુડા જેવા નેત્રંગ તાલુકાના ગામોમાં ટીમો પહોંચી ૧૨૧ જેટલા મતદારો નું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવ્યું હતું.