જમીન દીકરીઓના બદલે બીજાને વેચી દેતા નારાજ દીકરીઓએ માતાનો અગ્નિ સંસ્કાર ન કર્યો
પૈસા ન આપ્યા એટલે દીકરીઓએ માતાનો અગ્નિ સંસ્કાર ન કર્યો-પોલીસે ત્રણ દિવસથી રઝળી રહેલા મૃતદેહનો સંપૂર્ણ વૈદિક વિધિથી અગ્નિ સંસ્કાર કર્યો
ટીંટોઈ, માતાએ પોતાની જમીન દીકરીઓના બદલે બીજાને વેચી દેતા નારાજ દીકરીઓએ માતાનો અગ્નિ સંસ્કાર નહિ કરતા છેવટે પોલીસે ત્રણ દિવસથી રઝળી રહેલા વૃધ્ધાનો સંપૂર્ણ વૈદિક વિધિથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યો છે.
અરવલ્લી જિલ્લાના ટીંટોઈ તાલુકાના નાનકડા ગામ મુળોજમાં રહેતા ભૂરીબહેન ઠાકોરના પતિનું અવસાન થયું હતું. એમને માત્ર બે દીકરીઓ જ હતી, દીકરીઓના લગ્ન સમયે એમને પતિ તરફથી મળેલી જમીનનો કેટલોક હિસ્સો વેચી દીધો હતો. બાકીની ૧પ વીઘા જમીનમાં એ ભાગમાં ખેતી કરી જીવન ગુજારતા હતા. આ સમયમાં લગ્ન પછી દીકરીઓએ એમની કાળજી લેવાનું બંધ કર્યું.
આ વૃધ્ધા બીમાર પડી. એમના દૂરના સગાઓના દીકરાઓએ એમની સેવા કીર અને ચાર દિવસ પહેલા ભૂરીબહેન ઠાકોરનું અવસાન થયું. એમની દીકરીઓએ માતાના અગ્નિ સંસ્કાર કરવાની ના પાડી દીધી તો જે લોકોને વૃધ્ધાએ જીવનની અંતિમ ક્ષણોમાં પોતાની મરણ મૂડી જેવી જમીન આપી દીધી હતી. એ લોકોએ પણ અગ્નિ સંસ્કાર કરવાની ના પાડી દેતા ખેતરમાં ૯૮ વર્ષના વૃધ્ધાની લાશ રઝળતી પડી હતી. પોલીસને આ વાતની જાણ થતા પોલીસે પહેલા અંતિમવિધિ કરવા માટે પરિવારના લોકોને સમજાવ્યા પણ એ લોકો ના માન્યા એટલે પોલીસે એમની વૈદિક વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા છે.
અરવલ્લીના ડીવાય એસ.પી. કે.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે અમને જયારે ખબર પડી કે આ પ્રકારે વૃધ્ધાનો મૃતદેહ રઝળી રહ્યો છે ત્યારે અમે પહેલા એમના પરિવારના લોકો ને સમજાવ્યા પણ એમની માતાએ ૧પ વિઘા જમીન બીજાને આપી દીધી હોવાથી બંને દીકરીઓ એમની માતાનો અંતિમ સંસ્કાર કરવા માટે માની નહિ. એટલે અમે એમની હાજરીમાં આદિવાસી વિધિ પ્રમાણે એક સ્થાનિક બ્રાહ્મણને બોલાવી પોલીસે ખુદકાંધ આપી એમનો અંતિમ સંસ્કાર કર્યો છે.