ડાઈનિંગ રૂમની આકર્ષક સજાવટ ભોજનમાં રસરુચિ વધારે છે
દરેક ઘરનું ડાઈનિંગ રૂમ અથવા ડાઈનિંગ એરિયા પરિવારજનો માટે એકઠા થઈને ભોજન કરવા સાથે અલક મલકની વાતો કરવાનો કે મહત્વની ચર્ચા વિચારણા કરી લેવાનો ખૂણો હોય છે. અને જયારે મહેમાન આવે ત્યારે પીરસાતા વિવિધ વ્યંજનો, પરિવારજનો સાથેની તેમની મજાકમસ્તી ડાઈનિંગ રૂમમાં નવી ચેતના ભરી દે છે.
જોકે ભોજન ગ્રહણ વિસ્તારને જીવંત બનાવવા તેમાં વિવિધ રીતે સજાવટ પણ કરી શકાય. ડાઈનિંગ રૂમની સજાવટ કઈ કઈ રીતે કરી શકાય તેની સમજ આપતાં ઈન્ટિરિયર ડિઝાઈનરો કહે છે…,
ફૂલોની સજાવટ ઃ ઘરના કોઈપણ ખૂણાની સજાવટમાં પુષ્પો મહત્વની ભૂમિકા ભજવે છે. ફલાવરવાઝમાં ગોઠવેલું રંગબેરંગી પુષ્પગુચ્છ સમગ્ર વાતાવરણને જીવંત બનાવી દે છે. તો પછી ડાઈનિંગ એરિયા તેમાંથી શી રીતે બાકાત રહે ? વાસ્તવમાં વિવિધ પ્રકારના કુસુમોની સજાવટ ડાઈનિંગ રૂમને પ્રાકૃતિક વાતાવરણ બક્ષે છે. અને પુષ્પગુચ્છમાં રહેલું દરેક ફુલ જાણે કે ઘરના એક એક સભ્યના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. એક જ ફલાવર બુકેમાં પરિવારના દરેક સભ્યની પસંદગીનું એકાદ એકાદ ફૂલ અચૂક ાવી જાય છે જે તેમનું ચીત્ત પ્રસન્ન કરે છે.
ગાલીચો પાથરો ઃ જરૂરી નથી કે બધાના ઘરમાં અલગ ડાઈનિંગ રૂમ હોય. આવી સ્થિતિમાં ડાઈનિંગ એરિયાને રસોડા કે બેઠક ખંડથી જુદો પાડવા તમે ગાલીચાનો ઉપયોગ કરી શકો. ડાઈનિંગ વિસ્તારના માપનો ગાલીચો લઈ આવો .તેને ડાઈનિંગ એરિયામાં પાથરો. ત્યાં પગ મૂકતા જ તમને સુંવાળપણનો અનુભવ થશે. જોકે ગાલીચાનો રંગ સમજીવિચારીને પસંદ કરો. શકયતઃ ઘેરા રંગનો ગાલીચો લો જેથી ત્યાં ખાવાપીવાની વસ્તુ પડે – ઢોળાય તોય તેના ડાઘ તેમાં ન દેખાય.
સુંદર વોલપેપર લગાવો ઃ આકર્ષક વોલ પેપર તમારા ડાઈનિંગ એરિયાને મનભાવન બનાવી દેશે. રોજિંદા ભોજનના સમયે પણ આ વિસ્તારનું વાતાવરણ ખુશ્નુમાં રહેશે. અને ઘરે પધારેલા મહેમાનો આપસમાં તમારા વોલ પેપરની પ્રશંસા કર્યા વિના નહી રહે.
ખરેખર તો વોલપેપર જોઈને તેમના ચહેરા પર ફરી વળેલું સ્મિત જ તમારા માટે એક પ્રકારની ભેટ બની જશે. આજે બજારમાં બોટાનિકલ, ફલોરલ, જયોમેટ્રિક કે એબ્સ્ટ્રેકટ પેટર્નના વોલ પેપર આસાનીથી મળી રહે છે તમે તમારી પસંદગી તેમ જ ડાઈનિંગ એરિયાને ધ્યાનમાં રાખીને વોલપેપર પસંદ કરો.
ક્રીએટિવ લાઈટિંગ ઃ ડાઈનિંગ એરિયામાં લગાવેલી લાઈટ પણ એ વિસ્તારને ખુશનુમાં અથવા ઉદાસીન બનાવી શકે છે. આ વિસ્તારમાં ભૂલેચૂકેય ઝાંખી લાઈટ ન લગાવવી. આવી રોશની વાતાવરણને જાણે કે ઉદાસ બનાવી મૂકે છે.
ભોજન ગ્રહણ વિસ્તારમાં કલર ઓપ્શન સાથેની લાઈટો લાગવો, તમે ચાહો તો શેન્ડિલિયર કે પેન્ડન્ટ લાઈટ લગાવીને અનોખું આકર્ષણ પેદા કરી શકો છો. તેના સિવાય ડાઈનિંગ એરિયાની છતના ખૂણાઓમાં પણ સરસ મઝાની રોશની કરી શકાય. ડિમર સ્વીચનો ઉપયોગ કરીને તમે લાઈટને તમારા મૂડ પ્રમાણે બદલી શકો છો.
વોલ આર્ટ અને સ્ટેટમેન્ટ પીસ ઃ ભીંત પર લગાવેલી સુંદર ફોટો ધરાવતી ફ્રેમ કે ડાઈનિંગ રૂમમાં મુકેલું અનોખા પ્રકારનું આર્ટ પીસ પણ આ એરિયાને ગજબનું આકર્ષણ બક્ષે છે. વળી ભીંત પર લગાવેલું ચિત્ર- પેઈન્ટિંગ – ફોટો વધારાની જગ્યા બિલકુલ નથી રોકતું. હા, તમારો ડાઈનિંગ રૂમ વિશાળ હોય તો તેમાં આકર્ષક શો પીસ જરૂર મુકી શકાય.
ડાઈનિંગ ટેબલની સજાવટ ઃ ડાઈનિંગ ટેબલ પર લગાવવામાં આવતા કવરમાં પુષ્કળ વૈવિધ્ય મળી રહે છે. તમે તમારા રસરુચિ અનુસાર જે તે કવરની પસંદગી કરી શકો. ખુરશીના કવર-કુશન એકદમ પોચા- સુંવાળા- રંગબેરંગી રાખો. ડાઈનિંગ ટેબલ પર ફેન્સી ક્રોકરીનો ઉપયોગ કરો.