ખેડા જિલ્લાનુ ધબકતું હ્દય એટલે ડાકોર રણછોડરાયજીનું મંદિર: કલેકટર
કલેકટરની અધ્યક્ષતામાં ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ડાકોરના યાત્રાધામ શ્રી રણછોડરાયના મંદિર ખાતે તા.૨૫-૦૩-૨૦૨૪ના રોજ ફાગણી પૂનમના મેળાના આયોજન અંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ડાકોર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા ફાગણી પૂનમના મેળાના આયોજનની પ્રક્રિયામાં સંકળાયેલા સંબંધિત તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રા કરીને આવતા ભક્તો તથા મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તે માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ આયોજનની કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
પદયાત્રા માટે નિશ્ચિત કરાયેલા માર્ગો, વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ, પદયાત્રીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, સારવાર તથા આરોગ્યલક્ષી સુવિધાઓ, પદયાત્રાના માર્ગમાં પડી ગયેલા વૃક્ષોનો નિકાલ, સ્વચ્છતા, વગેરેના આયોજન અંગે સમીક્ષા કરી કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાનુ ધબકતું હ્રદય એટલે ડાકોર રણછોડરાયજીનું મંદિર….
અને ત્યાં આવનાર પદયાત્રીઓ તથા દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચે તે માટે સેવાના ભાવથી સૌ અધિકારીઓએ પોતાની જવાબદારીનું વહન કરવું જોઈએ.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ એસ.ડી.વસાવા, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી , ઠાસરા પ્રાંત અધિકારી તથા નાયબ પોલીસ અધિકારી કપડવંજ સોલંકી, નાયબ પોલીસ અધિકારી, નડિયાદ બાજપાઈ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.