સંજય રોયને ફાંસીની સજા માટે બંગાળ સરકાર હાઇકોર્ટ પહોંચી
કોલકાતા, કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસના દોષિત સંજય રોયને આજીવન કેદની સજા કરતાં ટ્રાયલ કોર્ટના આદેશને પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે કલકત્તા હાઇકોર્ટમાં પડકાર્યાે હતો અને દોષિતને ફાંસીની સજાની માગણી કરી છે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે ટ્રાયલ કોર્ટના ચુકાદા અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને તેને ઉચ્ચ અદાલતમાં પડકારવાની જાહેરાત કરી હતી. આ પછી ૨૪ કલાકમાં સરકારે હાઇકોર્ટમાં આ અરજી કરી હતી. સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવા માટે કોર્ટની પરવાનગી મેળવી છે.
હાઈકોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે અપીલને લગતી સુનાવણી બુધવારની શરૂ થઈ શકે છે કારણ કે રાજ્ય દ્વારા કેસ દાખલ કરવાની પ્રક્રિયા મંગળવારના અંત સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે.
સિયાલદાહ કોર્ટે સંજય રોયને મૃત્યુ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી અને મૃત્યુદંડની માંગને નકારી કાઢીને કહ્યું હતું કે તે રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. કોર્ટે રોયને રૂ.૫૦,૦૦૦ દંડ ભરવાનો પણ આદેશ આપ્યો હતો અને રાજ્ય સરકારને મૃતક ડોક્ટરના પરિવારને રૂ.૧૭ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.SS1MS