ભરૂચ પાલિકાએ ભૃગુઋષિ ઓવરબ્રિજ ઉપર તાર બાંધ્યા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ પાલિકા આ વખતે સફાળી જાગી આકાશી યુદ્ધ પેહલા જ આગતરું આયોજન કરી દીધું છે. શહેરના ભૃગુઋષિ ઓવરબ્રિજ ઉપર ગત વર્ષે પુત્રીને લઈ જતી માતાનું પતંગના દોરાથી ગળું કપાયા બાદ કેબલ બંધાયા હતા.વખતે અત્યારથી જ પાલિકાએ વાહન ચાલકોની સલામતી માટે બ્રિજની એક તરફ કેબલ બાંધી દીધા છે.
આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
ત્યારે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા ઉત્તરાયણમા પતંગની દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગની દોરીથી દ્વિચક્રિય વાહન ચાલકોને કોઈ નુકસાન ના થાય તેમજ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લોખંડના તાર લગાવવામાં આવ્યા છે.
કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે. ત્યારે આ બ્રિજ પરથી સતત વાહનો પસાર થતા હોય છે.જેથી પતંગ સાથેની દોરી બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઈજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવરબ્રિજ પર લોખંડના તાર લગાવવામાં આવતા પાલિકાની કામગીરીને વાહન ચાલકોએ બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ ટાણે વાહન ચાલકો પણ પોતાનું વાહન ધીમી ગતિએ જાહેરમાર્ગ ઉપરથી હંકારી પોતાની સુરક્ષા પોતે રાખે તે પણ જરૂરી છે.