Western Times News

Gujarati News

નડિયાદના રેલવે સ્ટેશનને 500 કરોડના ખર્ચે નવનિર્મિત કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર

૮૦ કરોડના ખર્ચે નડિયાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ બનશે

નડિયાદ, કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર, નડિયાદ મુકામે એક બેઠક મળી હતી. જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક ઈજનેર મોહમદજી દ્વારા પાવર પોઈન્ટ ડેમો- બ્લુ પ્રિન્ટ રજૂ થઈ હતી. જેમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં નડિયાદ મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું છે.

નડિયાદ ખેડા જિલ્લાનું અતિ મહત્વનું નગર છે ત્યારે અંદાજીત રૂ.પ૦૦ કરોડના ખર્ચે નડિયાદના રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને બાધકામનો પ્રોજેકટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના જે રેલવે સ્ટેશનોનું પુનઃ નિર્માણ થવાનું છે. તેમાં નડિયાદનો પણ સમાવેશ કરતા વડાપ્રધાન અને રેલવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યકત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, નડિયાદ સરદાર પટેલનું જન્મ સ્થાન છે.

નડિયાદનું સંતરામ મંદિર, જિલ્લામાં ભાથીજી મહારાજનું ફાગવેલ, સ્વામિનારાયણ ભગવાનનું તીર્થધામ વડતાલ જેવા ઐતિહાસિક, ધાર્મિક અને આઝાદીના સત્યાગ્રહ સાથે જોડાયેલી ઘટનાઓને અંકિત કરતી ડિઝાઈનને પણ રેલવે સ્ટેશનના બાંધકામમાં સ્થાન અપાશે. આ ઉપરાંત નડિયાદ રેલવે સ્ટેશનની બંને બાજુ વિભાજીત પૂર્વ વિસ્તારને જોડતો રૂ.૮૦ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ પણ બનશે. નડિયાદ નગરજનો અને મુસાફર જનતાની સુવિધાને પ્રાથમિકતા અપાશે.

નડિયાદનું રેલ્વે સ્ટેશન શહેર અને ખેડા જિલ્લાની શોભા બની રહે તેવી સાંસ્કૃતિક વિરાસતની વિવિધ થીમ પણ બાંધકામમાં આવરી લેવાશે. એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પૈકી નડિયાદ સ્ટેશનના ચીફ પ્રોજેકટ મેનેજર મુકેશકુમાર, અમિતસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.