એનિમલ ફિલ્મના ગીત પર દારૂની બોટલ માથે મૂકીને નાચવાનું ભારે પડ્યું
વડોદરા, વડોદરા શહેરના પરસોત્તમ નગર ખાતે રહેતાં એક પરિવારમાં યોજાયેલા માંગલીક પ્રસંગે શનિવારે રાતે ઘર આંગણે યોજાયેલી મ્યુઝિકલ પાર્ટીમાં કિશનવાડીનો બુટલેગર વિશાલ કહાર એનિમલ મુવીના સોંગ ઉપર માથે દારૂની બોટલ મુકીને નાચ્યો હતો જે વીડિયો શહેરમાં વાઈરલ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. બુટલેગરના વાઈરલ થયેલા વીડિયોએ પોલીસ તંત્રની આબરુના લીરેલીરા ઉડાડ્યાં છે.
શહેરના આજવા રોડ, કિશનવાડી રોડ પરની પરસોત્તમ નગરમાં રહેતા સન્ની છત્રસિંહ જાદવના કુટુંબમાં એક માંગલીક પ્રસંગ યોજાયો હતો જે સંદર્ભમાં પરસોત્તમ નગર ખાતે ઘર આંગણે માંડવો બાંધીને મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઉડ સ્પીકર ઉપર વાગતાં ફિલ્મી સોંગ્સના તાલે સ્થાનીકો ઝુમી રહ્યા હતા
આ વખતે તાજેતરમાં રિલીઝ થયેલી એનિમલ મુવીના બોબી દેઓલનું જમાલકુડુ સોંગ વાગતા કિશનવાડી વિસ્તારનો બુટલેગર વિશાલ કહાર દારૂની બોટલ માથે મુકીને નાચ્યો હતો. વાહન વ્યવહારથી ધમધમતાં મેઈન રોડ પર બંધાયેલા મંડપમાં બુટલેગર ખુલ્લેઆમ માથે દારૂની બોટલ મુકીને નાચતા પોલીસની આબરુના લીરેલીરા ઉડયા હતા. જોકે આ વીડિયો વાઈરલ થતાંની સાથે જ પોલીસ દોડતી થઈ છે તેમજ ઉચ્ચ કક્ષાએ પણ ગંભીર નોંધ લેવાઈ છે.