બિલ્ડરે પોતાની પૂર્વ શાળાનું ઋણ ઉતારવા સમાજ ઉપયોગી પગલું ભર્યું
ગણેશ ઉત્સવ નિમિત્તે પાંચ દિકરીઓને શિક્ષણ પૂરું પાડવા માટે દત્તક લીધી
પાટણ, શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી.સાર્વજનિક વિદ્યાલય, શ્રી ટી.ડી.સ્માટ વિદ્યાલય, એન.એસ.સુરમ્ય બાળવાટિકા દ્વારા સંયુક્ત રીતે શ્રી ગણેશાય ઉત્સવની ઉજવણીનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક દુઃખ હરતા અને સુખ સમૃદ્ધિ અર્પણ કરતા વિઘ્નહર્તા વિનાયક દેવને પ્રાર્થના સ્વરૂપે ઉપાસના કરી ગણેશ ઉત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જાણીતા બિલ્ડર દિલીપ પટેલે ઉપસ્થિત રહી માતૃ સંસ્થાનું ઋણ અદા કરવા શાળામાં અભ્યાસ કરતી જરૂરિયાતમંદ પ વિદ્યાર્થિનીઓની જવાબદારી સાથે દત્તક લેતા જણાવ્યું હતું કે,
આ શાળા મને જે આપ્યું છે તે હું ક્યારે ભૂલી શકું નહિ મારી માતા જ્યારે મને શિક્ષણ માટે આ શાળામાં દાખલ કર્યાે ત્યારે બપોરે નાસ્તા માટે પાંચ પૈસા આપતા જે હું સંગ્રહ કરી અને શિક્ષણમાં ઉપયોગ કરતો એ જ મારી સફળતા એ મારું જીવન બદલ્યું અને આજે બિલ્ડર તરીકે કરોડો રૂપિયાની આવક સામે મને મારી આ માતૃસંસ્થા યાદ આવે છે.
મારા પુત્ર અને પુત્રીને પણ મેં ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરાવી આજે મારા પુત્રને અધિકારી અને પુત્રીને ડોક્ટર સુધી અભ્યાસ કરાવી શક્યો છું અને તેનો સંપૂર્ણ યશ હું આવી શ્રેષ્ઠ માતૃ સંસ્થાઓને આપું છું. આજના આ પાવન પ્રસંગે હું ગણેશ ઉત્સવે બેઠેલા સંતાનોમાં જે દીકરીઓના માતા-પિતા હયાત નથી તેવી દીકરીઓનું શિક્ષણ કાર્ય બગડે નહિ
તે માટે તમામ ખર્ચ હું આવી દીકરીઓ માટે ઉઠાવી મારી માતૃસંસ્થાની ૫ દિકરીઓને દત્તક ગ્રહણ કરી માતૃ સંસ્થાનું ઋણ અદા કરી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.