ઘરની છત પર મોબાઈલ ટાવર લગાવી કમાણી કરવા માગતા હતા વેપારી
મુંબઈ, ઘણા લોકો ઘરની ખાલી છત પર મોબાઈલ ટાવર લગાવીને મહિને સારી એવી કમાણી કરી રહ્યા છે. જાે કે, કેટલાક લેભાગુ તત્વો મોબાઈલ ટાવરના નામે છેતરપિંડી કરતાં હોય તેવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યા છે.
હાલમાં જ દક્ષિણ મુંબઈમાં રહેતા ૫૧ વર્ષના એક વેપારીએ કેટલાક શખ્સોએ તેમના ઘરની છત પર મોબાઈલ ટાવર લગાવવા પર મહિને ૪૫ હજાર રૂપિયા ભાડું આપવાનું વચન આપીને ૧.૫ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે તેમણે છેલ્લા બે વર્ષમાં ૩૨ RTGS ટ્રાન્ઝેક્શનથી ચૂકવ્યા હતા.
‘અમે આઈપીસી અને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધ્યો છે’, તેમ ક્રાઈમ બ્રાંચના સાયબર પોલીસ ડીસીપી બલસિંહ રાજપૂતે જણાવ્યું હતું. આ સાથે તેમણે શહેરીજનોને આવી લોભામણી લાલચોમાં ન આવવા અને ક્યાંય પણ રોકાણ કરતાં પહેલા એકવાર વિગતો ચકાસી લેવાની વિનંતી કરી હતી. ગત અઠવાડિયે નોંધાવેલી ફરિયાદમાં, વેપારીએ જણાવ્યું હતું કે ૨૦૨૧માં તેમને વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.
મેસેજ મોકલનારે તે મોબાઈલ કંપનીનો કર્મચારી હોવાનો દાવો કર્યો હતો અને મોબાઈલ ટાવર લગાવવા માટે જગ્યા શોધી રહ્યો હોવાનું કહ્યું હતું. વેપારીએ રસ દાખવ્યો હતો અને બંનેએ વોટ્સએપ પર વાતચીત શરૂ કરી હતી. થોડા દિવસ બાદ, વેપારીને ટાવર લગાવવા પર મહિને ૪૫ હજાર ભાડું અને ૧૫ લાખની ડિપોઝિટ મળશે તેવું કહેતો મેસેજ મળ્યો હતો.
‘રજિસ્ટ્રેશન માટે તેમને ૨૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આગામી ત્રણ દિવસમાં તેમણે કુલ ૧.૨૧ લાખ રૂપિયા આપ્યા હતા’, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
‘આરોપીએ તેમને છત માટે માલિકીના કાગળો આપવા માટે કહ્યું હતું, જે તેમણે આપ્યા હતા. ત્યારબાદ કંપની દ્વારા તેમની છત પર મોબાઈલ ટાવર લગાવવાની મંજૂરી મળી હોવાનો મેસેજ આવ્યો હતો. આ સાથે તેમને ‘એગ્રીમેન્ટ ડોક્યુમેન્ટ’ પણ મોકલવામાં આવ્યા હતા.SS1MS