Western Times News

Gujarati News

પાંચ આરોપીને CBI કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

અમદાવાદ, દેશભરમાં રૂ. ૩૦ હજાર કરોડના બનાવટી સ્ટેમ્પ પેપર કૌભાંડમાં સામેલ અબ્દુલ કરીમ તેલગીના પાંચ સાગરિતોને અત્રેની સીબીઆઈ કોર્ટે ૨૦ વર્ષે આ કેસમાં ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની કેદ અને રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યાે છે.

સીબીઆઈના ખાસ જજ એન. એન. પાથરે ફાલ્ગુની બાબુભાઈ પટેલ, કિશોર પુરષોતમભાઈ પટેલ, પ્રશાંત નિગપ્પા પાટીલ, અમઝદલી ઉર્ફે અમઝદભાઈ અને ઝાકીરહુસેન ઉર્ફે મિહિરભાઈનો સમાવેશ થાય છે.સ્ટેમ્પ વિભાગના અધિકારીઓએ ૪થી ૮ ઓક્ટોબર ૨૦૦૧ સુધી સુરત અને અમદાવાદમાં તપાસ કરતા બનાવટી સ્ટેમ્પ પેપરો મળી આવ્યા હતા. આ અંગે ગુનો નોંધાયો હતો.

આ પછી તપાસ સીબીઆઈને સોંપાતા ફાલ્ગુની બાબુભાઈ પટેલ, કિશોર પુરષોતમભાઈ પટેલ, પ્રશાંત નિગપ્પા પાટીલ, અમઝદલી ઉર્ફે અમઝદભાઈ અને ઝાકીરહુસેન ઉર્ફે મિહિરભાઈ, અબ્દુલ કરીમ તેલગી સહિત ૧૬ જણા સામે ગુનો નોંધીને ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.

આ મામલે પાંચ આરોપીઓ સામે કેસ ચાલતા સીબીઆઈના ખાસ એડવોકેટ અતુલ રંજન પ્રકાશ સિંઘએ કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે ગંભીર ગુનો પુરવાર થયો છે. આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા આરોપીઓને વધુમાં વધુ સજા ફટકારવી જોઈએ.

કોર્ટે પાંચેય આરોપીને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અબ્દુલ કરીમ તેલગીએ ગુનો કબૂલતા કોર્ટે તેને સજા ફટકારી હતી. આ પછી તેલગીના સાગરિત રાજુ નાયક ઉર્ફે રામચંદ્ર નાયકેએ પણ ગુનો કબૂલી લેતા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી. જ્યારે તેલગી અન્ય જેલમાં બીમારીના કારણોસર મૃત્યુ પામ્યો હતો.

બોગસ સ્ટેમ્પ પેપર કૌભાંડના દોષી અબ્દુલ કરીમ તેલગીની ૨૦૦૧માં અજમેરથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં હતો. તે ડાયાબિટિસ અને હાઈબ્લડ પ્રેશરની બીમારીથી પીડિત હતો. કોર્ટે તેને બોગસ સ્ટેમ્પ પેપર કૌભાંડમાં ૩૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.

તેને બેંગલુરુના પારાપ્પાના અગ્રાહારા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં થોડા દિવસો તેને વેન્ટિલેટર પર હતો.

સારવાર દરમિયાન તેલગીએ ૨૩ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ બેંગલુરુની હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીઓને દેશભરમાં તેલગીની ૩૬ પ્રોપર્ટી શોધી કાઢી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ અને ઈન્દોર જેવા ૧૮ મોટા શહેરોમાં તેના ૧૨૩ બેંક એકાઉન્ટ્‌સ હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.