ચેઈન સ્નેચર્સે બારીમાં હાથ નાખીને વૃદ્ધાની ચેઈન ખેંચી
(એજન્સી) અમદાવાદ, ચેઈન સ્નેચરની હિંમત એટલી વધી ગઈ છે કે હવે તે ઘરમાં બેઠેલી મહિલાના ગળામાંથી ચેઈન ખેંચીને ફરાર થવા લાગ્યા છે. સામાન્ય રીતે બાઈક કે એક્ટિવા લઈને આવેલા ગઠિયાઓ ગણતરીની સેકન્ડમાં રોડ પર મહિલા કે પુરૂષના ગળામાં પહેરેલી ચેઈન, ડોકિયું તેમજ સોનાના દાગીનાના સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય છે.
પરંતુ હવે ચેઈન સ્નેચર ઘરમાં ઘરેણાં પહેરીને રહેતી મહિલાને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ઘોડાસર વિસ્તારમાં પતિ સાથે ટીવી જાેઈ રહેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી સવા તોલાનું ડોકિયું ખેંચીને ચેઈન સ્નેચર ફરાર થઈ ગયા છે. ચેઈન સ્નેચર્સે બારીમાં હાથ નાખીને ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘોઢાસરમાં બનેલી ઘટના પરથી એક વાત તો નક્કી થઈ ગઈ છે કે ઘરમાં પણ હવે મહિલાઓએ દાગીના પહેરાવા સુરક્ષિત નથી.
ઘોડાસર વિસ્તારમાં આવેલા અશોક ટેનામેન્ટમાં રહેતા ગાયત્રીબહેન શાહે ઈસનપુર પોલીસ સ્ટેશનમં ચેઈન સ્નેચર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ગાયત્રીબેન શાહ તેમના પરિવાર સાથે રહે છે અને ઘર કામ કરે છે. ગાયત્રીબહેનના પતિએ ર૦૧૬માં તેમને સવા તોલાનું ડોકિયું કરાવીને આપ્યું હતું.
ગાયત્રીબહેનનું મકાન રોડ સાઈડમાં હોવાથી તે ગઈ કાલે રાતે પતિ સાથે મેઈન રૂમમાં બેસીને ટીવી જાેઈ રહ્યા હતા ત્યારે તેમના ગળાના ભાગમાં એકદમ ઝાટકો વાગ્યો હતો. ગાયત્રીબહેને પાછળ ફરીને જાેયું તો એક્ટિવા પર આવેલા શખ્સો જતા હતા.
ગાયત્રીબહેનના પતિએ દોડીને બહાર જઈને જાેયું તો એક્ટિવા પર આવેલા બે શખ્સ જતા હતા. બંને શખ્સ ઘરની નજીક આવ્યા હતા અને બારીમાંથી હાથ નાખીને ગાયત્રીબહેને પહેરેલું ડોકિયું સ્નેચિંગ કરી લીધું હતું. ગાયત્રીબહેને તરત જ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
જેથી ઈસનપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ભરચક વિસ્તારમાં ઘરમાં ટીવી જાેઈ રહેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ થઈ જતં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ઈસનપુર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને ઘોડાસર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાના શરૂ કર્યા છે.