Western Times News

Gujarati News

ગુજરાત અને તમિલનાડુના  ખેલાડીઓ વચ્ચે ૨૨ અને ૨૩ એપ્રિલે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે

ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને  સ્વિમિંગની ૩૮ ઇવેન્ટમાં ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે

ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. ૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાશે.

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરવા માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ હેઠળ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૫ હજારથી વધુ મહેમાનો ગુજરાત આવવાના છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આ ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચ અલગ અલગ રમતમાં ખેલાડીઓ સામેલ થશે.

ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ૨૨ અને ૨૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ આ સ્પર્ધાઓ યોજાશે. તેમાં ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટ  આપવામાં આવશે તેમજ ઓવર ઓલ વિજેતા રાજ્યને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

આ સ્પર્ધામાં તમિલનાડુ અને ગુજરાતના સીનિયર કેટેગરીના ખેલાડીઓ સામેલ થશે. તેમાં ટેબલ ટેનિસ અને ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે. સ્વિમિંગમાં ફ્રી સ્ટાઇલ ૧૦૦ અને ૨૦૦ મીટર, બેકસ્ટ્રોક ૧૦૦-૨૦૦ મી., બ્રેસ્ટસ્ટ્રોક ૧૦૦-૨૦૦ મી., બટરફ્લાય ૧૦૦-૨૦૦ મી., ફ્રી સ્ટાઇલ રીલે ૪*૫૦ અને ૪*૧૦૦મી.,

મીડલે રીલે ૪*૫૦ મી., મિક્સ્ડ ફ્રી સ્ટાઇલ રીલે 4*50મી. અને મિક્સ્ડ મીડલે રીલે ૪*૫૦ મીની ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ ૩૮ ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના ૧૦૮ તેમજ તમિલનાડુના ૧૦૮ ખેલાડીઓ સહિત કુલ ૨૧૬ ખેલાડીઓ ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.