Western Times News

Gujarati News

ચૌધરી પરિવાર ફેબ્રુઆરીમાં વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો

અમદાવાદ, અમેરિકા-કેનેડાની બોર્ડર પર સેન્ટ લૉરેન્સ નદીમાં ડૂબી જતાં મોતને ભેટેલો ચૌધરી પરિવાર ફેબ્રુઆરી મહિનામાં વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો.

પરિવારના ત્રણ સભ્યોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ આ ઘટના બની ત્યારે પ્રવીણ ચૌધરીના પત્ની દક્ષા ચૌધરી સાથે હતા કે કેમ તેની જાણકારી બહાર નથી આવી. આ ઘટનામાં આઠ લોકો માર્યા ગયા હતા, પરંતુ એક મૃતકની ઓળખ હજુ સુધી પ્રસ્થાપિત થઈ શકી નથી.

જે ત્રણ ગુજરાતી મૃતકો ઓળખાયા છે તેમાં મહેસાણાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી, તેમની દીકરી વિધિ ચૌધરી અને દીકરા મિતનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસના સૂત્રોનું માનીએ તો ચૌધરી પરિવારના કોઈપણ સભ્યએ તેમને મોકલનારા એજન્ટોના નામ નહોતા આપ્યા. એટલું જ નહીં, તેઓ કેનેડાથી અમેરિકા જવાના હતા તેની પણ કોઈની સાથે વાત નહોતી કરી.

રવિવારે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ મૃતકના પરિવારજનોની માણેકપુરા ગામ જઈને મુલાકાત લીધી હતી. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે. જેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં જે મોડસ ઓપરેન્ડી અપનાવાઈ છે તેમજ ચૌધરી પરિવાર જે રૂટ પરથી અમેરિકા જવા નીકળ્યો હતો તેને જાેતા ત્રણ એજન્ટો તેમાં સંડોવાયેલા હોવાની આશંકા છે.

પોલીસનું માનવું છે કે ચૌધરી પરિવારને મોકલનારો એક એજન્ટ મહેસાણાનો છે જ્યારે બીજાે યોગેશ પટેલનો ખાસ માણસ છે. આ બંને ડિંગુચા કેસમાં પણ સંડોવણી ધરાવતા હતા, જ્યારે ત્રીજાે શકમંદ એપ્રિલ ૨૦૨૨માં છ ગુજરાતી યુવકો અમેરિકન પોલીસ દ્વારા સેન્ટ રેજિસ નદીમાંથી રેસ્ક્યુ કરાયા તે કેસમાં સામેલ હતો.

આ ઉપરાંત, આ એજન્ટ ગયા વર્ષે જ બહાર આવેલા IELTS કૌભાંડમાં પણ કનેક્શન ધરાવતો હતો, બીજી તરફ ડિંગુચા કેસનો આરોપી એજન્ટ યોગેશ પટેલ હાલ પણ જેલમાં છે.

ભૂતકાળમાં પણ ગુજરાતીઓને કેનેડાથી અમેરિકા લઈ જતી બે બોટ ડૂબી જવાની ઘટના બની હતી. અમેરિકા-કેનેડા બોર્ડર પર માર્યા ગયેલા ગુજરાતી પરિવારના મૃતદેહને અહીં લાવીને તેમની અંતિમવિધિ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ મામલે ગુજરાત પોલીસ અમેરિકા અને કેનેડા પોલીસના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એવી વિગતો પણ બહાર આવી છે કે માણેકપુરાના ચૌધરી પરિવારે કેનેડા પહોંચવા માટે એજન્ટોને ૫૬ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી હતી.

કેનેડા પહોંચ્યા બાદ તેઓ સ્થાનિક એજન્ટને એક વ્યક્તિ દીઠ ૧ હજાર કેનેડિયન ડોલર ચૂકવીને બોટમાં સવાર થઈ બોર્ડર ક્રોસ કરવા માટે નીકળ્યા હતા. તેમની સાથે એક રોમાનિયન ફેમિલી પણ હતું, જેમાં બે નાના બાળકો પણ હતા. જાેકે, અમેરિકા પહોંચતા પહેલા જ આ તમામ લોકોના મોત થયા હતા.

કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર, ચૌધરી પરિવાર નાનકડી બોટમાં સવાર થઈને અમેરિકા જવા નીકળ્યો ત્યારે વાવાઝોડાં જેવી સ્થિતિ હતી. જેના કારણે નદી પણ તોફાની બની હતી, અધૂરામાં પૂરૂં આઠ લોકો જે બોટમાં સવાર હતા તે ખૂબ જ નાની હતી અને તેમાં કેપેસિટીથી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. તોફાની નદીમાં આ બોટ આખરે ડેમેજ થઈ ગઈ હતી અને તે ડૂબવા લાગી હતી. ઘટના બની ત્યારે બુધવારે રાત્રે ડૂબી રહેલા લોકોની ચીસો સાંભળી સ્થાનિકોએ પોલીસને ફોન કર્યો હતો.

જાેકે, પોલીસ અને રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તમામ લોકોના મોત થઈ ચૂક્યા હતા, જ્યારે જે વ્યક્તિ બોટ ચલાવી રહ્યો હતો તે હજુય ફરાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.