મ્યુનિ. કોર્પોરેશનના “રાસ્કા” વોટર પ્લાન્ટમાં કેમીકલ ભળ્યું
મનપા દ્વારા પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યોઃ કોતરપુર પ્લાન્ટમાંથી રર વો.ડી. સ્ટેશનમાં પાણી આપવામાં આવી રહયુ છે
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયના બરવાળા અને બોટાદમાં “કેમીકલ કાંડ”ના કારણે પ૦ જેટલી વ્યક્તિના કરૂણ મૃત્યુ થયાની સાહી હજી સુકાઈ નથી ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક કેમીકલ કાંડ થતા રહી ગયો છે.
મ્યુનિ. ઈજનેર વિભાગના અધિકારીઓની સતર્કતાના કારણે લાખો નાગરીકોની જીંદગી બચી ગઈ છે. મ્યુનિ. કોર્પોરેશને રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેમીકલ ભેળવવામાં આવ્યુ હોવાની શંકાના કારણે છેલ્લા ત્રણ દિવસથી પાણી સપ્લાય બંધ કરતા મોટી હોનારત ટળી હોવાનું માનવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા, વટવા, ઈસનપુર સહીતના વિસ્તારોમાં “રાસ્કા” વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુધ્ધ પાણી સપ્લાય કરવામાં આવે છે. રાસ્કા પ્લાન્ટની ક્ષમતા ર૦૦ એમએલડી છે જેમાં શેઢી કેનાલમાંથી પાણી સપ્લાય થાય છે લગભગ બે-ત્રણ દિવસ અગાઉ કેનાલ મારફતે આવતા રો-વોટરમાં કેમીકલ જેવા દ્રવ્ય હોવાની જાણકારી ઈજનેર વિભાગને થઈ હતી તેથી મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા તાકીદે રાસ્કાના પાણીની ચકાસણી શરૂ કરાવીને સપ્લાય બંધ કરાવ્યા હતા.
રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે જેના પરીણામ હજી સુધી તંત્રને મળ્યા નથી. સુત્રોએ જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગના તાબામાં આવતી શેઢી કેનાલમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમીકલયુક્ત ગંદા પાણી છોડવામાં આવ્યા હોવાની શંકા છે. આ પાણી રાસ્કા પ્લાન્ટમાં પણ આવી ગયા હોવાથી સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.
તેમજ રાસ્કામાંથી જે વિસ્તારોમાં શુધ્ધ પાણી સપ્લાય કરવામાં આવતા હતા તે વિસ્તારોમાં કોતરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય કરવામાં આવી રહયા છે. જીપીસીબીમાંથી પરીણામ આવ્યા બાદ રાસ્કા પ્લાન્ટને “વોશ આઉટ” કરવામાં આવશે ત્યારબાદ જ ફરીથી સપ્લાય શરૂ કરવા માટે વિચારણા થશે.
રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી વસ્ત્રાલ વોર્ડમાં અબજી બાપા, રિલાયન્સ પંપ અને આર.ટી.ઓ વો.ડી સ્ટેશન, રામોલ- હાથીજણ વોર્ડમાં રામોલ સાત તલાવડી, વિવેકાનંદ નગર, વિંઝોલ, હાથીજણ વિનોબાભાવે નગર, અને જશોદારનગર વો.ડી. સ્ટેશન. વટવા વોર્ડમાં વટવા નિગમ, માટીખાના, ઈ ડબલ્યુ એલ, વટવા રેલ્વે અને વટવા ગામના વો.ડી. સ્ટેશન, ઈસનપુર
વોર્ડમાં સ્મૃતિ મંદીર તથા લાંભામાં શ્રીનાથ, સોહંગ, નારોલ ગામ, સૈજપુર, લાંભા ગામ, ગુજકોમાસોલ સહીત કુલ રર વો.ડી. સ્ટેશનમાં પાણી સપ્લાય થાય છે, હાલમાં તમામ સ્થળે કોતરપુરથી પાણી સપ્લાય કરવામાં આવી રહયા છે, પાણીમાં કેમીકલ જેવા દ્રવ્ય છોડવામાં આવ્યા હોવાની પોલીસ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.