ગાંધીનગરની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી ઓચિંતા જ પહોંચ્યા
ગોલથરા પ્રાથમિક શાળામાં ૧ર૪ બાળકોનું શાળા નામાંકન કરાવ્યું -રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩ અન્વયે બાલવાટિકા અને ધોરણ-૧ માં મળીને અંદાજે કુલ ૧ર.૭૦ લાખ બાળકોનું શાળા નામાંકન કરાશે
ધોરણ-૮ પછી વધુ અભ્યાસ માટે ગામમાં જ શાળાની વ્યવસ્થા અંગે બાળકોની રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.
સમગ્ર રાજ્યમાં તા.૧ર અને ૧૩ ના દિવસો દરમ્યાન યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચી ગયા હતા.
મુખ્યમંત્રીશ્રીને શાળામાં અચાનક આવેલા જોઇને શિક્ષકો, બાળકો અને વાલીઓએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગોલથરા પ્રાથમિક શાળામાં પ્રતિકરૂપે બે બાળકોને ધોરણ-૧ અને બાલવાટિકામાં પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ અર્પણ કરી હતી.
આ ગોલથરા અને લક્ષ્મીપૂરા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૯પ, આંગણવાડીમાં ર૪ અને ધોરણ-૧ માં પ બાળકોનું પ્રવેશોત્સવ અન્વયે નામાંકન થયું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે NNMSમાં જિલ્લામાં પ્રથમ આવેલા આ શાળાની વિદ્યાર્થીનીનું સન્માન ગૌરવ કર્યુ હતું તેમજ પ્રાથમિક શાળા સ્કોલરશીપ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર દિકરીને પણ તેમણે સન્માનિત કરી હતી.
ગાંધીનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૬૦૧ શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ માં મળીને કુલ અંદાજે ૧૪,૬૬૭ બાળકોનું નામાંકન કરાવવામાં આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અન્વયે આ વર્ષે ધો-૧ માં અંદાજે ર.૩૦ લાખ અને બાલવાટિકામાં ૯.૭૭ લાખ મળી અંદાજે ૧૨.૭ લાખ બાળકોનો શાળા પ્રવેશ કરાવાશે.
મુખ્યમંત્રીશ્રીએ ગોલથરા પ્રાથમિક શાળાના બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ સાધ્યો હતો.
તેમણે બાળકોને શાળામાં અપાતા ભોજન અંગે પણ પૃચ્છા કરી હતી અને બાળકો સાથે પ્રશ્નોત્તરી કરતાં ટી.વી જોવાનો, ઘરે અભ્યાસનો કેટલો સમય બાળકો આપે છે તેની અને માતા-પિતા પ્રત્યેના બાળકોના વર્તનની પણ જાણકારી મેળવી હતી.
શાળામાં બાળકોને કોઇ નવિન સુવિધા સગવડ જોઇતી હોય તો તેની પૂછપરછ કરતાં બાળકોએ ગામમાં જ ધોરણ-૮ પછીના અભ્યાસ માટે શાળા શરૂ થાય તેવી લાગણી મુખ્યમંત્રીશ્રી સમક્ષ દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે યોગ્ય કરવા ખાતરી આપી હતી. એટલું જ નહિ, શાળાના મેદાનમાં લપસણી, હિંચકા જેવા રમતના સાધનો આપવાની દિશામાં પણ તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવ બાદ SMC અને બાળકોના વાલી સાથે મિટીંગ યોજીને શાળામાં અન્ય વધુ સુવિધાઓ ઊભી કરવા અંગેના સૂચનો મેળવી પરામર્શ કર્યો હતો. શાળા આચાર્યશ્રી કેતનભાઇ સહિત શિક્ષક ગણ આ વેળાએ સહભાગી થયા હતા.