વીસીસીઆઇ-એક્સપોની૧૨મી આવૃત્તિનું મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યું
વડાપ્રધાનએ આપેલા ચાર આઇ ના મંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટીગ્રિટી, ઇન્ક્લ્યુઝિવ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ આઉટલૂકના સમન્વયથી ઔદ્યોગિક ઉત્પાદન વૈશ્વિક હરિફાઇ કરી શકશે
(માહિતી) અમદાવાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન લઘુ, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે ચાર આઇ ના મંત્ર ઉપર ભાર મૂકતા જણાવ્યું છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટીગ્રિટી, ઇન્ક્લ્યુઝિવ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ આઉટલૂકના સમન્વયથી ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન વૈશ્વિક હરિફાઇ કરી શકશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આ ચાર આઇ ના મંત્ર ઉપર ઉદ્યોગકારોએ ફોકસ કરવાની જરૂરિયાત છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું કે, એમએસએમઇ ગુજરાતનું અભિન્ન અંગ છે અને રાજ્યમાં હાલમાં ૮.૬૬ લાખ જેટલા આવા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ કોરોના મહામારી બાદની આર્થિક વિપદામાંથી બહાર આવી શક્યો તેના પાછળનું એક મહત્વનું કારણ મજબૂત એમએસએમઇ સેક્ટર પણ છે. આ ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના કદમો ઉઠાવવામાં આવ્યા છે.મુખ્યમંત્રીશ્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઇ-એક્સપો-૨૦૨૩નું ઉદ્દઘાટન કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આર્ત્મનિભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયાની સંકલ્પનાને સાકાર કરતા આ એક્સપોની ૧૨મી આવૃત્તિમાં વેન્ડર ડેવલપમેન્ટ ઉપર વિશેષ લક્ષ્ય આપવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો ઉપરાંત ખાનગી ઉત્પાદકો તેમાં ભાગ લઇ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ઉદ્દઘાટન કર્યા બાદ એક્સપોના વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. શ્રી પટેલે એમ પણ કહ્યું કે, વિશ્વના ઉદ્યોગો ભારત તરફ આકર્ષાયા છે અને તેમાં ભારતમાં રોકાણ કરવામાં ગુજરાત સૌથી પ્રથમ પસંદગી હોય છે. આપણે વિદેશ જઇએ ત્યારે ખ્યાલ આવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કારણે મોટા રોકાણકારો ગુજરાત ઉપર પસંદગીનો કળશ ઢોળે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોરોના પછી આજે એવી સ્થિતિ છે કે વિશ્વના વિકસિત અને મોટા દેશોમાં રોજગારી નોકરી છૂટતી જાય છે. આની સામે ભારતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના દીઘદ્રર્ષ્ટિ પૂર્ણ આયોજનથી રોજગારી, નોકરીઓ મળતી જાય છે. રોકાણકારો માટે ગુજરાત આદર્શ ડેસ્ટીનેશન હોવાની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં કાર્ગો હેન્ડલિંગ, સ્ટાર્ટઅપ, નિકાસ અને નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર ભારતમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યમાં ઉદ્યોગોની સ્થાપના અને આનુષાંગિક શ્રેષ્ઠ ભૌતિક સુવિધા ઉપલબ્ધ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ ગુજરાત ટોપ એચિવર સ્ટેટ છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાત દેશનો પાંચ ટકા ભૌગોલિક હિસ્સો ધરાવે છે, પણ દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં ૮ ટકા અને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા જેટલું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસ સાધ્યો છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના ડિફેન્સ તથા એરોસ્પેસ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ વડોદરામાં થયું છે. આ રોકાણ સાથે એરક્રાફટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકો સિસ્ટમનો વિકાસ થશે. વડોદરાની એવિએશન હબ તરીકે નવી ઓળખ મળશે, તેનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીસીસીઆઇ એક્સપો-૨૦૨૩ આસપાસના ઉદ્યોગોને ટેક્નોલોજીના નવા આયામો, ભવિષ્યની તકો અને આંતરરાષ્ટ્રીય બજાર તથા માંગની ખૂટતી કડીઓ પૂરવામાં સબળ માધ્યમ બનશે, એવી શ્રદ્ધા વ્યક્ત કરી આયોજકોને બિરદાવ્યા હતા. ઉદ્યોગકારોની કન્વેન્શન સેન્ટર અંગેની લાગણીને મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. પ્રારંભે વીસીસીઆઇના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હિમાંશુ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ વેળાએ વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા, મેયર અને ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી મનિષાબેન વકીલ, ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલ, ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને ડો. વિજયભાઈ શાહ, વીસીસીઆઇના પ્રમુખ શ્રી એમ. ડી. પટેલ, મંત્રી શ્રી જલેન્દુ પાઠક, કલેક્ટર શ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.