જંત્રીમાં રાહત આપવાનો બિલ્ડરોને આડકતરો સંકેત આપતા મુખ્યમંત્રી
અમદાવાદ, અમદાવાદમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો GUJCON’ યોજાઈ રહ્યો છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રસ્તાવિત જંત્રી વધારા અંગે કહ્યું હતું કે ચિંતા ના કરશો. આમ તેમણે જંત્રીમાં સરકાર રાહત આપશે એવો સંકેત પણ આપી દીધો છે. 10 લાખથી લઈને 50 લાખ સુધીના મકાન બને એવું આપણે કરવા માગીએ છીએ.
મુખ્યમંત્રીએ હળવાશની સાથે સાથે થોડા કડકાઈ પણ દાખવી જણાવ્યું કે કોઈપણ જાતની ક્યાંય પણ તકલીફ હોય તો અમે ક્યારેય પણ કોઈ વસ્તુમાં મળવાની ના પાડી નથી, મળી શકાય એવું છે, પરંતુ ક્યાંય આવેશમાં આવીને એવું ના કરતા કે અમારા એક્શન કડક થાય.
19માં ગાહેડ પ્રોપર્ટી શોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેમ બધા શાંત થઈ ગયા છો, બધું આમ તો તમારા બધાના મગજમાં ક્લેરિટી આવી ગઈ છે એટલે બધા હવે શાંતિથી બેઠા છો. મેં થોડું હમણાં ચા પીતાં પીતાં બોમન આર.ઇરાની (નેશનલ પ્રેસિડન્ટ, ક્રેડાઈ) અહીં આવ્યા છે તો કીધું તમારી જંત્રી પણ આ બધાને બતાવજો કેવી છે. સારી વસ્તુ આપણે શીખવાની, પણ બધી લઈ લેવી જરૂર નથી, પણ તેમની પાસે સારું હોય એ લઈ લેવું જોઇએ.
ક્રેડાઈમાં આપણે આવ્યા છીએ તો બધાના મગજમાં જંત્રી…જંત્રી…જંત્રી ચાલતી હોય, એમાં બધાએ થોડું….થોડું…થોડું રિલેક્સ કરી દીધું છે. એમાં હું થોડું વધુ રિલેક્સ કરી દઉં કે ચિંતા ના કરશો. વડાપ્રધાન પણ સૌનો સાથ અને સૌનો વિકાસ કહે છે. તો અમારે સૌનો સાથ લેવો છે.અમે જે સમયે આપ્યો છે અને કીધું જ છે કે તમારી રજૂઆત કરી શકો અને એમાથી જે સારો રસ્તો હશે એ અપનાવી આગળ વધીશું.
ઘણીવાર જંત્રી મુકાઈ તો એવો એક-બે જગ્યાએ પણ આંકડો આવી જાય કે આવું તો ક્યાંય છે જ નહીં, બીજે ક્યાંય પણ એવા 50 આંકડા છે, જે તમે આપ્યા હોય એના પરથી એ આંકડો આવ્યો હોય. કેમ પાછા શાંત થઈ ગયા(હળવા મૂડમાં)? આમ છતાં ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું.’
વિક્સિત ભારત તરીકે આગળ વધવું હોય તો વિક્સિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો, તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ. કરોડો લોકોનાં માથે છત આપી છે અને આ ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 3 કરોડ મકાનને મંજૂરી આપી છે.’
IFSI સરકાર જે આપે છે એમાં સુધારાની જરૂર હશે તો એ પણ સુધારીશું’ ‘તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને એની વ્યાખ્યા થોડી બદલાઈ હોય એમાં બદલાવની જરૂર છે. નાનાં મકાનો કેવી રીતે બનાવી શકાય, બે બેડરૂમ, 1 બેડરૂમ અને એના માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઇએ એના માટે મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે.
જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને FSI ખરીદીથી લઈ બધું તમને મોટી FSI સરકાર જે આપે છે એમાં જંત્રી આધારિત બેઝ્ડ હશે તો તે સુધારવાનો હશે તો એ પણ સુધારીશું, પરંતુ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવાં નાનાં મકાનો પણ બનાવીશું અને છેક નાનામાં નાના માણસ સુધી FSIનો ફાયદો કે FSI ખરીદીનો ફાયદો પહોંચવો જોઇએ.’
‘એફોર્ડેબલ હાઉસિંગમાં ખૂબ મોટા મકાનો બન્યા છે અને હવે એફોર્ડેબલ કહેવું કે ના કહેવું પણ એફોર્ડેબલ હાઉસિંગનો વિચાર એક વખત બધા સાથે મળીને લાવે મારી પાસે તો બધા બેસીને નાનાં મકાન માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે. તમને નાનાં મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે. જમીન એટલી તમે મોંઘી કરતા જાઓ છો કે તમને જ એમ થાય કે કેવી રીતે બનાવવું?
એના માટે થોડા નીતિ-નિયમ બદલીએ. જેથી તમને પણ પ્રોત્સાહિત કરી શકાય. સરકાર સાથે તમે પણ જોડાવો. નાનાં મકાનોનો વિચાર તમારા બધા થકી થાય. અહીં 10 લાખથી 50 લાખ સુધીના સ્ટોલ રાખ્યા છે, હવે એવું ને એવું મકાનમાં કરવા માગીએ છીએ.